નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે રેલવેને આદેશ આપ્યો છે કે 27 ઓક્ટોબર 2026થી દેશના તમામ રેલવે સ્ટેશનો પર કાઉન્ટર પરથી વેચાતી ટિકિટોને પણ ઓનલાઇન ટિકિટોની જેમ વીમા કવચ હેઠળ લાવવામાં આવે.
આ આદેશ ન્યાયમૂર્તિ અહસાનુદ્દીન અમાનુલ્લા અને ન્યાયમૂર્તિ આર. મહાદેવનની ખંડપીઠે ગયા અઠવાડિયે રેલવે સુરક્ષા સંબંધિત એક કેસની સુનાવણી દરમિયાન આપ્યો હતો.
ખંડપીઠે નોંધ્યું હતું કે હાલમાં ફક્ત ઓનલાઇન ટિકિટ ખરીદનારા મુસાફરોને જ નજીવી વધારાની રકમ ચૂકવવા પર વીમા કવચનો લાભ મળે છે. જે લોકો ઓનલાઇન ટિકિટ નથી ખરીદી શકતા અને રેલવે રિઝર્વેશન કાઉન્ટર પરથી ટિકિટ લે છે, તેમને આ સુવિધા મળતી નથી.
કોર્ટે કહ્યું કે સમાજના આર્થિક રીતે સૌથી નબળા વર્ગના લોકો મોટાભાગે કાઉન્ટર પરથી જ ટિકિટ ખરીદે છે. તેથી તેમને પણ વીમા કવચનો લાભ મળવો જોઈએ. આ માટે સંબંધિત અધિકારીઓને પૂરતો સમય આપવામાં આવ્યો હતો, પણ આ દિશામાં કોઈ નોંધપાત્ર પ્રગતિ થઈ નથી. તેથી કોર્ટે બે અઠવાડિયાની અંદર આદેશનું પાલન કરવાનું કહ્યું છે.
કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આદેશનું ફરજિયાતપણે પાલન કરવું પડશે. જો પાલન નહીં થાય તો તેની સીધી જવાબદારી રેલવે બોર્ડની રહેશે.
વીમા કવચ ઉપરાંત સુપ્રીમ કોર્ટે રેલવેની સમગ્ર સુરક્ષા વ્યવસ્થા અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. ખંડપીઠે જણાવ્યું કે સુરક્ષા સંબંધિત ખાતરીઓ આપવામાં આવી હોવા છતાં વાસ્તવિક સ્તરે પૂરતા ફેરફારો જોવા મળતા નથી. રેલવે ટ્રેકની આસપાસ વાડ લગાવવાના નિર્ધારિત લક્ષ્યો દર વર્ષે લગભગ એક તૃતીયાંશ અધૂરા રહે છે, તેવો સવાલ પણ કોર્ટે ઉઠાવ્યો હતો.
સુપ્રીમ કોર્ટે રેલવે બોર્ડના અધ્યક્ષ અને સભ્યોને 16 નવેમ્બરે યોજાનારી આગામી સુનાવણીમાં વ્યક્તિગત રીતે હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. જોકે, કેન્દ્ર સરકાર તરફથી હાજર રહેલા એડિશનલ સોલિસિટર જનરલ વિક્રમજીત બેનરજીએ છેલ્લા એક વર્ષમાં કરવામાં આવેલી કામગીરી અને લક્ષ્યો પૂર્ણ ન થવાના કારણો અંગે વિગતવાર સોગંદનામું દાખલ કરવા વધુ સમય માંગ્યો હતો. ત્યારબાદ કોર્ટે રેલવે અધિકારીઓને વ્યક્તિગત રીતે હાજર રહેવાના આદેશ પર હાલ પૂરતી રોક લગાવી દીધી છે.