રેલવે ભરતી સેલ (RRC)ના ઉત્તર રેલવે ઝોને એપ્રેન્ટિસશીપ એક્ટ 1961 હેઠળ 4,651 એપ્રેન્ટિસ પદો પર ભરતી માટે સૂચના જાહેર કરી છે. આ ભરતી માટે ઉમેદવારોને કોઈ લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ આપવાની જરૂર રહેશે નહીં. અરજી પ્રક્રિયા 11 નવેમ્બર, 2026થી શરૂ થશે અને 11 ડિસેમ્બર, 2026 સુધી ચાલશે. ઉમેદવારોએ ઉત્તર રેલવેની સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
આ ભરતી એપ્રેન્ટિસશીપ તાલીમ માટે છે, નિયમિત સરકારી નોકરી માટે નહીં. તાલિમ પૂર્ણ કર્યા પછી રેલવેમાં કાયમી નોકરીની કોઈ ગેરંટી નથી. તેનો હેતુ યુવાનોને ટેકનિકલ અને વ્યવહારુ તાલીમ આપવાનો છે, જેથી તેઓ સંબંધિત ક્ષેત્રમાં કાર્ય અનુભવ મેળવી શકે.
ઉત્તર રેલવેના છ ક્લસ્ટરોમાં કુલ 4,651 જગ્યાઓ ભરવામાં આવશે. તેમાં લખનઉ ક્લસ્ટરમાં સૌથી વધુ 1,524 જગ્યાઓ, દિલ્હી ક્લસ્ટરમાં 1,312, અંબાલા ક્લસ્ટરમાં 979, ફિરોઝપુર ક્લસ્ટરમાં 740, મુરાદાબાદ ક્લસ્ટરમાં 63 અને જમ્મુ ક્લસ્ટરમાં 32 જગ્યાઓનો સમાવેશ થાય છે.
અરજી કરવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડમાંથી 10મું ધોરણ ઓછામાં ઓછા 50% ગુણ સાથે પાસ કરેલું હોવું જોઈએ. તેમજ સંબંધિત ટ્રેડમાં NCVT અથવા SCVT-માન્ય સંસ્થામાંથી ITI પ્રમાણપત્ર ફરજિયાત છે. ઉમેદવારોની ઉંમર 15 થી 24 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત શ્રેણીઓને સરકારી નિયમો અનુસાર વયમાં છૂટછાટ મળશે: SC અને ST ઉમેદવારોને પાંચ વર્ષની અને OBC ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ.
પસંદગી પ્રક્રિયામાં લેખિત પરીક્ષા કે ઇન્ટરવ્યુ નથી. ઉમેદવારોની પસંદગી મેરિટ લિસ્ટના આધારે કરવામાં આવશે, જેમાં 10મા ધોરણ અને ITIમાં મેળવેલા ગુણને સમાન વેઇટેજ આપવામાં આવશે. બંનેની ટકાવારીની ગણતરી કરીને મેરિટ નક્કી થશે. શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારોને દસ્તાવેજ ચકાસણી માટે બોલાવવામાં આવશે અને નિર્ધારિત તબીબી ધોરણો પૂર્ણ કરવાના રહેશે.
અરજી ફીમાં જનરલ અને OBC શ્રેણીના ઉમેદવારોએ ₹100 ચૂકવવાના રહેશે. SC, ST, દિવ્યાંગ અને મહિલા ઉમેદવારો માટે અરજી મફત છે. ફી ઓનલાઇન ચૂકવી શકાય છે.
અરજી કરવા માટે ઉત્તર રેલવેની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો. હોમપેજ પર 'એપ્રેન્ટિસ ભરતી 2026' લિંક પર ક્લિક કરીને ઓનલાઇન નોંધણી પૂર્ણ કરો. અરજી ફોર્મમાં વ્યક્તિગત અને શૈક્ષણિક માહિતી ભરો, જરૂરી દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો. નિર્ધારિત ફી ચૂકવ્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેનો પ્રિન્ટઆઉટ સાચવી રાખો.
ઉમેદવારોએ અરજી કરતા પહેલા સત્તાવાર સૂચનામાં આપેલા તમામ નિયમો અને શરતો કાળજીપૂર્વક વાંચવા જોઈએ.