સત્ય. સાહસ. સંકલ્પ.

RailOne એપ પર નવી સુવિધા: પરિવાર માટે એક સાથે 6 સિઝન ટિકિટ બુક કરી શકાશે

RailOne એપ પર નવી સુવિધા: પરિવાર માટે એક સાથે 6 સિઝન ટિકિટ બુક કરી શકાશે

પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે ટિકિટિંગ વ્યવસ્થામાં નવો ફેરફાર કરવામાં આવ્યો છે. રેલવેની 'RailOne' એપ પર હવે શેર કરી શકાય તેવી UTS સિઝન ટિકિટ (પાસ) બુક કરવાની સુવિધા શરૂ થઈ છે. આ સુવિધા હેઠળ એક નોંધાયેલો વપરાશકર્તા પોતાના માટે એક સિઝન ટિકિટ ઉપરાંત પરિવારના સભ્યો કે અન્ય વ્યક્તિઓ માટે વધુમાં વધુ 5 સિઝન ટિકિટ, એમ કુલ 6 ટિકિટ બુક કરી શકશે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી વિનિત અભિષેકના જણાવ્યા અનુસાર, આ નવી વ્યવસ્થાથી ડિજિટલ ટિકિટિંગ વધુ સરળ બનશે.

નિયમો અને મહત્ત્વની જોગવાઈઓ

ઉંમરની મર્યાદા: ટિકિટ બુક કરનાર વપરાશકર્તાની ઉંમર ઓછામાં ઓછી 18 વર્ષ હોવી જરૂરી છે. જ્યારે બીજા કોઈ વ્યક્તિ કે પરિવારના સભ્યના નામે બુક કરાતી ટિકિટ માટે લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 5 વર્ષ હોવી જોઈએ.

ટિકિટની માન્યતા: વપરાશકર્તાએ પોતાના માટે બુક કરેલી સિઝન ટિકિટ બુકિંગના દિવસથી જ માન્ય ગણાશે. જ્યારે બીજા વ્યક્તિ માટે બુક કરાયેલી ટિકિટ બુકિંગના બીજા દિવસથી માન્ય ગણાશે.

ફોટો અને QR કોડ ફરજિયાત: મુસાફરી દરમિયાન ટિકિટની પ્રિન્ટેડ કોપી અથવા મોબાઇલમાં સ્પષ્ટ PDF દર્શાવવી પડશે. ટિકિટમાં મુસાફરનો ફોટોગ્રાફ સ્પષ્ટ હોવો જોઈએ, જે QR કોડમાં પણ ડિજિટલ રીતે સામેલ હશે. ટિકિટ પરનો ફોટો અને મુસાફરી કરનાર વ્યક્તિ એક જ હોવા જરૂરી છે.

બુકિંગ રસીદ માન્ય નહીં: RailOne એપમાંથી બનેલી બુકિંગ રસીદ, ઇન્વોઇસ કે સાદી પેપર ટિકિટની નકલ માન્ય ગણાશે નહીં. માત્ર અધિકૃત શેરેબલ સિઝન ટિકિટ જ મુસાફરી માટે ગ્રાહ્ય રહેશે.

QR કોડ સાથે ચેડાં પર દંડ: ટિકિટ કે QR કોડ ક્ષતિગ્રસ્ત, ચેડાં કરેલો કે વાંચી ન શકાય તેવો હશે તો ટિકિટ અમાન્ય ગણાશે અને રેલવેના નિયમો મુજબ દંડની કાર્યવાહી થઈ શકે છે.