સત્ય. સાહસ. સંકલ્પ.

તિરંગાને લઈને દિલ્હીમાં વિપક્ષનું પ્રદર્શન, રાહુલ-પ્રિયંકા 8 કલાકથી વધુ ધરણા પર બેઠા

તિરંગાને લઈને દિલ્હીમાં વિપક્ષનું પ્રદર્શન, રાહુલ-પ્રિયંકા 8 કલાકથી વધુ ધરણા પર બેઠા

ચૂંટણી પંચમાં મતદાર યાદીમાં કથિત ગોલમાલ અને મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાની માંગને લઈને વિપક્ષી ગઠબંધન I.N.D.I.A બ્લોકે મંગળવારે દિલ્હીમાં સંસદથી ચૂંટણી પંચ સુધી માર્ચ કાઢી. આ માર્ચ બાદ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સહિતના નેતાઓએ આકાશવાણી ભવન પરિસરમાં ધરણો કર્યો. પોલીસે તેમને રોકતાં રાહુલ-પ્રિયંકાએ આઠ કલાકથી વધુ સમય સુધી પરિસરમાં જ પ્રદર્શન કર્યું.

સવારે 11 વાગ્યે I.N.D.I.A બ્લોકના સાંસદો સંસદના મકર દ્વાર પર એકઠા થયા અને ત્યાંથી ચૂંટણી પંચ તરફ રવાના થયા. માર્ચમાં રાહુલ ગાંધીના હાથમાં 'જ્ઞાનેશ, ઇટ્સ ડન બ્રો' લખેલું પોસ્ટર હતું.

સવારે 11.50 વાગ્યે ચૂંટણી પંચની ઓફિસ સામે સુરક્ષાકર્મીઓએ માર્ચને રોકી દીધી. રાહુલ ગાંધી આગળ વધ્યા અને આકાશવાણી ભવન પાસે લગાવેલા બેરિકેડ પર ચઢી ગયા.

બપોરે 12.15 વાગ્યે પોલીસે અખિલેશ યાદવ સહિત વિપક્ષના નેતાઓને કસ્ટડીમાં લીધા. અખિલેશ યાદવે કહ્યું કે જો જ્ઞાનેશ કુમાર નિષ્પક્ષ છે, તો તેમણે અમારી વાત સાંભળવી જોઈએ.

બપોરે 12.30 વાગ્યે પોલીસે રાહુલ-પ્રિયંકાને કસ્ટડીમાં લઈને બસમાં બેસાડ્યા, પરંતુ બંને બસમાંથી ઊતરીને આકાશવાણી ભવન પહોંચ્યા અને ત્યાં જ ધરણા પર બેસી ગયા.

બપોરે 2.15 વાગ્યે રાહુલ અને પ્રિયંકા ગાંધીએ વડના ઝાડ નીચે ચટાઈ પાથરીને ધરણો કર્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી જ્ઞાનેશ કુમારને મળવા દેવામાં નહીં આવે, ત્યાં સુધી તેઓ અહીંથી ઊભા નહીં થાય.

બપોરે 3.30 વાગ્યે રાહુલે પ્રિયંકાને એનર્જી ડ્રિંક ઓફર કર્યું, પરંતુ પ્રિયંકાએ તેને સૂંઘીને પીવાનો ઇનકાર કરી દીધો. ધરણા દરમિયાન બંનેએ કાર્યકર્તાઓ સાથે રોલ પણ ખાધા.

સાંજે 5 વાગ્યે એક પોલીસ અધિકારીએ તિરંગો લઈને ઊભેલા કાર્યકર્તા પાસે જઈને ઝંડો હટાવવાનું કહ્યું. ત્યારે રાહુલ ગાંધી ઝડપથી ત્યાં પહોંચ્યા અને કહ્યું, "આને અડશો નહીં." પ્રિયંકા ગાંધી પણ તિરંગાની સામે હાથ ફેલાવીને ઊભા રહી ગયા. અધિકારીનું કહેવું હતું કે તિરંગામાં લાગેલો દંડો કોઈને ઈજા પહોંચાડી શકે છે. આ અંગે રાહુલ-પ્રિયંકાએ તેમને ઠપકો આપતાં કહ્યું કે આ દંડો નથી, તિરંગો છે.

રાત્રે 8.15 વાગ્યે દિલ્હી પોલીસે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની આકાશવાણી ભવનમાંથી અટકાયત કરી. અટકાયતમાં લેવાયેલા કુલ 250 લોકોને કિંગ્સવે કેમ્પ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા. પોલીસ રાહુલને પકડીને લઈ ગઈ, ત્યારે કાર્યકર્તાઓએ ધક્કામુક્કી કરવાનો પ્રયાસ પણ કર્યો. પોલીસે રાહુલને બસમાં બેસાડ્યા ત્યારે તેમણે બારીમાંથી બહાર નીકળીને કાર્યકર્તાઓ સાથે વાત પણ કરી.

રાત્રે 9.30 વાગ્યે કસ્ટડીમાં લીધા બાદ પ્રિયંકા ગાંધી કિંગ્સવે કેમ્પ પોલીસ લાઇન્સના ગેટ પર ચઢી ગયા. રાહુલ-પ્રિયંકા સહિત વિપક્ષના નેતાઓને અહીં જ કસ્ટડીમાં રાખવામાં આવ્યા.

રાત્રે 10 વાગ્યે દિલ્હી પોલીસે રાહુલ ગાંધીને મુક્ત કર્યા. પોલીસ લાઇન્સમાંથી બહાર આવતી વખતે તેમના હાથમાં બંધારણની નકલ હતી.