નવી દિલ્હીમાં બ્રિક્સ (BRICS) સમિટ દરમિયાન મલેશિયાના વડાપ્રધાન દાતો સેરી અનવર બિન ઇબ્રાહિમે કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી સાથે નાસ્તા પર મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં તેમણે વિવિધ વિષયો પર ચર્ચા કરી હતી.
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મલેશિયાના વડાપ્રધાન વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત અને મલેશિયા વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચેના સંબંધો હવે સેમિકન્ડક્ટર, મહત્વપૂર્ણ ખનિજો, સ્વચ્છ ઊર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રતિભાશાળી લોકોની અવરજવર જેવા નવા તથા મહત્વકાંક્ષી ક્ષેત્રોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગ, દ્વિપક્ષીય રોકાણ અને નાગરિકો વચ્ચેના સંપર્કો પણ સતત મજબૂત બની રહ્યા છે, જે ભારત-મલેશિયા વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને નવી ગતિ આપી રહ્યા છે.
દ્વિપક્ષીય બેઠકની શરૂઆતમાં મલેશિયાના વડાપ્રધાને ભારતીય વડાપ્રધાનની ભારે લોકપ્રિયતાની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના મોબાઈલ પર આવી રહેલા સંદેશાઓનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે લોકોમાં તેમની મજબૂત પકડ છે અને તેઓ વૈશ્વિક સ્તરે અત્યંત લોકપ્રિય નેતા છે.
ભારત મુલાકાત દરમિયાન મલેશિયાના વડાપ્રધાનનો એક અનોખો અંદાજ પણ સામે આવ્યો હતો. દિલ્હીની એક હોટલમાં તેઓ બોલીવુડના પ્રખ્યાત ગીત 'ખ્વાબ હો તુમ યા કોઈ હકીકત' ગાતા નજરે પડ્યા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.