દિલ્હીમાં INDIA ગઠબંધનના નેતાઓએ સંસદથી ચૂંટણી પંચ મુખ્યાલય સુધી વિરોધ માર્ચ કાઢી હતી. આ માર્ચ દરમિયાન દિલ્હી પોલીસે લોકસભા વિપક્ષી નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત 140થી વધુ સાંસદોની અટકાયત કરી છે.
આકાશવાણી ભવનની બહાર લગભગ પાંચ કલાક સુધી ચાલેલા હોબાળા બાદ પોલીસે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, સપા પ્રમુખ અખિલેશ યાદવ, ટીએમસી સાંસદ ડેરેક ઓ બ્રાયન, અભિષેક બેનર્જી, ચરણજીત સિંહ ચન્ની, દીપેન્દ્ર હુડ્ડા અને પવન ખેડા સહિત વિપક્ષના અન્ય મોટા નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. સ્થિતિ વણસતાં સમગ્ર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો.
ચૂંટણી પંચ તરફ આગળ વધી રહેલા રાહુલ ગાંધી અને અન્ય નેતાઓને પોલીસે આકાશવાણી ભવનના ગેટ પર જ રોકી દીધા હતા. આ પછી રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કે.સી. વેણુગોપાલ ચૂંટણી પંચથી આશરે 200 મીટર દૂર રસ્તા પર જ ધરણા પર બેસી ગયા હતા.
રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, ‘અમે માત્ર ચૂંટણી પંચને મળીને એ કહેવા માંગીએ છીએ કે તમે વોટ ચોરી કરી છે. સાંસદો ચૂંટણી કમિશનરને મળશે અને તેમણે મળવું જ પડશે. દેશના અવાજનું અપમાન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી મળવા દેવામાં નહીં આવે ત્યાં સુધી અમે ત્યાંથી હટીશું નહીં.’
રાહુલ ગાંધી આકાશવાણી ભવનના રસ્તે થઈને નિર્વાચન સદન પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ ગેટ પર જ ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. થોડી જ વારમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ, NSUI અને યુથ કોંગ્રેસના કાર્યકરો પણ ત્યાં પહોંચી ગયા હતા.
ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આકાશવાણી પરિસરમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો, જ્યાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ધરણા પર બેઠા હતા. આ સાથે કોંગ્રેસ સાંસદ વર્ષા ગાયકવાડ અને ડેરેક ઓ બ્રાયન પણ ગેટ પાસે પહોંચી જતાં પોલીસ સાથે ઘર્ષણની સ્થિતિ સર્જાઈ હતી.
અટકાયત પહેલાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, ‘આજે 300થી વધુ વિપક્ષી સાંસદો સંસદથી ચૂંટણી પંચ તરફ માર્ચ કરી ચૂંટણી કમિશનરોને મળવા માંગતા હતા. આ સાંસદો દેશના કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, છતાં ચૂંટણી કમિશનરો તેમની સાથે મુલાકાત કેમ નથી કરી રહ્યા? પોલીસ અમને શા માટે રોકી રહી છે અને ધમકીઓ કેમ આપવામાં આવી રહી છે?’
બીજી તરફ, ચૂંટણી પંચના સૂત્રોએ દાવો કર્યો છે કે તેમને કોંગ્રેસ કે અન્ય કોઈ વિપક્ષી પક્ષ તરફથી બેઠક અંગે કોઈ સત્તાવાર વિનંતી મળી નથી.
આકાશવાણી ભવન બહાર કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. યુથ કોંગ્રેસના જનરલ સેક્રેટરી સુરભિ દ્વિવેદીએ જણાવ્યું કે વિરોધ પ્રદર્શન કરી રહેલી તમામ મહિલાઓ કોંગ્રેસ શક્તિ અભિયાન સાથે જોડાયેલી છે. આ મહિલા કાર્યકરોએ ભાજપ મુખ્યાલય અને ભાજપ એક્સટેન્શન ઓફિસ બહાર પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિપક્ષી માર્ચને રોકવા માટે બેરિકેડ પર ચઢીને વિરોધ કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો.