કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. પંચાયતી રાજ મંત્રાલય હેઠળની યોજનાઓના લાભાર્થીઓની ઓળખ માટે આધાર કાર્ડને બદલે વોટર આઈડી (EPIC) કાર્ડનો ઉપયોગ કરવાના નિર્ણયને તેમણે 'ષડયંત્ર' ગણાવ્યો છે. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ (લલ્લન સિંહ) દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 'આ જાહેરાત 'સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન' (SIR) દ્વારા મતદારયાદીમાંથી નામો દૂર કરવાના મોટા પ્રયાસનો એક ભાગ છે.' તેમણે આક્ષેપ કર્યો કે આ કવાયત હેઠળ લાખો લોકોના નામ કાઢી નાખવામાં આવી રહ્યા છે, ખાસ કરીને જેઓ ભાજપ સરકારથી નારાજ છે તેમને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, 'જેમના નામ કાઢી નાખવામાં આવશે તેમનો મત જશે, અને મત જશે તો તેમના અધિકારો પણ જશે.'
રાહુલ ગાંધીએ ભારતીય ચૂંટણી પંચ (ECI) પર ભાજપ સાથે મિલીભગત કરવાનો ગંભીર આક્ષેપ પણ કર્યો હતો. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર નિશાન સાધતા કહ્યું કે, 'ચૂંટણી યાદીઓ હવે કોઈ નિષ્પક્ષ સંસ્થા દ્વારા સંચાલિત નથી થઈ રહી.' તેમણે ચેતવણી આપી કે એવી મતદારયાદી તૈયાર કરવામાં આવી રહી છે જેમાં ભાજપની બહુમતી રહે, અને તે જ યાદી નક્કી કરશે કે નાગરિકોને યોજનાઓનો લાભ મળશે કે નહીં.
રાહુલ ગાંધીએ આશંકા વ્યક્ત કરી હતી કે પંચાયતી રાજ યોજનાઓ પછી આગામી સમયમાં રાશન, પેન્શન, મનરેગા મજૂરી, આવાસ સહાય, શિષ્યવૃત્તિ અને અનામત માટે પણ ચૂંટણી કાર્ડ ફરજિયાત કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું, 'મત આપવો એ નાગરિકનો અધિકાર છે, કોઈ શરત નથી, અને ગરીબ વ્યક્તિનું પેન્શન તેના ચૂંટણી કાર્ડના ગુલામ બનાવી શકાય નહીં.'
ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહે જાહેરાત કરી હતી કે પંચાયતી રાજ મંત્રાલયની યોજનાઓ હેઠળ નાણાકીય સહાય અને કલ્યાણકારી લાભો મેળવવા માટે લાભાર્થીઓએ મતદાર ફોટો ઓળખપત્ર (EPIC) નંબર આપવો પડશે અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરાવવું પડશે. જોકે, આ જાહેરાતથી અનેક સવાલો ઊભા થયા છે કારણ કે પંચાયતી રાજ મંત્રાલય સીધા વ્યક્તિગત લાભાર્થીઓને ચૂકવણી કરતી યોજનાઓ ચલાવતું નથી, જ્યારે પીએમ-કિસાન, ગ્રામીણ આવાસ અને સામાજિક સુરક્ષા પેન્શન જેવી યોજનાઓમાં હાલમાં આધાર કાર્ડનો જ ઉપયોગ થાય છે.