કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી ₹2,000થી વધુના મર્ચન્ટ UPI વ્યવહારો પર 0.4% મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ (MDR) લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય સામે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ વિરોધ વ્યક્ત કર્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઝૂકી જવાનો આરોપ લગાવ્યો છે અને આ પ્રસ્તાવિત ટેક્સ તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરી છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પોસ્ટમાં કહ્યું કે, "મોદીજી હિંમત બતાવો, અમેરિકા સામે નતમસ્તક થવાનું બંધ કરો." તેમણે પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનો ઉલ્લેખ કરતાં કહ્યું કે, ઇન્દિરાજીને પૂછવામાં આવ્યું હતું કે તેઓ ડાબે ઝૂકે છે કે જમણે, ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે "હું ટટ્ટાર ઊભી રહું છું." પરંતુ મોદીજીનો અભિગમ અલગ છે. તેમણે ટ્રમ્પ સામે નતમસ્તક થવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે, UPI પર ટેક્સ લાદીને સરકારે દરેક ભારતીય પર બોજ નાખ્યો છે અને અમેરિકન કંપનીઓને ભારે કમાણીની તક આપી છે.
રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે સરકારે ગુપચુપ રીતે UPI પર ચાર્જ લગાવવાનો રસ્તો ખોલી દીધો છે. સરકારનો દાવો છે કે માત્ર ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર જ ચાર્જ લાગશે, જે કુલ વ્યવહારોમાં માત્ર 5% છે. પરંતુ તેમણે જણાવ્યું કે UPIની કુલ વ્યવહાર મૂલ્યના આશરે 65% હિસ્સો આ 5% ટ્રાન્ઝેક્શનમાં જ સમાયેલો છે. સરકાર કહે છે કે ગ્રાહક પાસેથી કોઈ ફી લેવામાં નહીં આવે, પરંતુ દુકાનદાર પર લાદવામાં આવેલી ફી આખરે ચીજવસ્તુઓની કિંમતોમાં ઉમેરાઈને સામાન્ય ગ્રાહકના ખિસ્સામાંથી જ નીકળશે.
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે અમેરિકન પેમેન્ટ કંપનીઓ લાંબા સમયથી ભારતની 'ઝીરો-MDR' નીતિનો વિરોધ કરી રહી હતી. હવે સરકારે આ નીતિ બદલીને તેમના દબાણ સામે આત્મસમર્પણ કર્યું છે. જેમ યુએસ ટ્રેડ ડીલમાં દબાણ આવ્યું હતું, તેવી જ રીતે પીએમ મોદીએ ફરી એકવાર અમેરિકા સામે શરણાગતિ સ્વીકારી લીધી છે.
સરકાર તરફથી દલીલ કરવામાં આવી રહી છે કે UPI સિસ્ટમ ચલાવવા માટે વાર્ષિક આશરે ₹20,700 કરોડની જરૂર પડે છે અને સરકાર પાસે આટલો ખર્ચ ઉઠાવવાના પૈસા નથી. તેના જવાબમાં કોંગ્રેસે આંકડાકીય વિગતો રજૂ કરી છે:
- નાણાકીય વર્ષ 2025-26માં ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને ₹3 લાખ કરોડ સરપ્લસ ટ્રાન્સફર કર્યા છે.
- દેશની લિસ્ટેડ બેંકોનો કુલ નફો ₹4.11 લાખ કરોડથી વધુ રહ્યો છે.
- UPIનું સંચાલન કરતી NPCIનો પ્રી-ટેક્સ નફો ₹1,888 કરોડ છે.
એટલે કે RBI દ્વારા સરકારને અપાયેલા નાણાંના માત્ર 7.2% હિસ્સાથી સમગ્ર UPI સિસ્ટમ વિનામૂલ્યે ચલાવી શકાય તેમ છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો કે સરકારે આ મામલે સંસદમાં પણ અસત્ય રજૂ કર્યું છે.