કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ટાટા જૂથ અંગે ગંભીર આક્ષેપ કર્યો છે. તેમણે કહ્યું છે કે ટાટા જૂથને સુનિયોજિત રીતે બરબાદ કરવામાં આવી રહ્યું છે અને દેશના ઉદ્યોગપતિઓ આ મુદ્દે ખુલીને બોલવાની હિંમત દાખવી રહ્યા નથી.
રાહુલ ગાંધીએ બુધવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, "ભારતીય વ્યાપાર કે ઉદ્યોગો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું કોઈ અંગત રમકડું નથી. ભલે ઉદ્યોગપતિઓમાં બોલવાની હિંમત ન હોય, પરંતુ કોંગ્રેસમાં છે અને આ કથિત અપરાધો માટે ન્યાય સુનિશ્ચિત કરવામાં આવશે."
ટાટા જૂથની મુખ્ય કંપની 'ટાટા સન્સ'માં અત્યારે નેતૃત્વ અંગે મોટો આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. 17 સપ્ટેમ્બરના રોજ બોર્ડ બેઠકમાં એન. ચંદ્રશેખરનને ફરીથી ચેરમેન બનાવવાનો પ્રસ્તાવ પાસ કરાયો હતો. જોકે, ટાટા ટ્રસ્ટ્સના ચેરમેન નોએલ ટાટાએ આ નિર્ણય સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને પડકાર્યો છે. બંને ટોચના પદો વચ્ચેનો આ મતભેદ હવે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સુધી પહોંચી ગયો છે, જેના કારણે દેશના કોર્પોરેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
રાહુલ ગાંધીએ દેશના ઉદ્યોગપતિઓ સામે સવાલ ઉઠાવ્યો છે કે તેઓ ક્યાં સુધી આમને આમ શાંત બેસી રહેશે? શું તેઓ ત્યારે જ અવાજ ઉઠાવશે જ્યારે બધું જ તેમના હાથમાંથી નીકળી જશે? તેમના આ ગંભીર આરોપો અને ટાટા સન્સના નેતૃત્વ સંબંધિત વિવાદ પર હજુ સુધી કેન્દ્ર સરકાર કે ટાટા જૂથ તરફથી કોઈ સત્તાવાર નિવેદન કે જવાબ આવ્યો નથી. આ સમગ્ર ઘટનાએ દેશના રાજકારણ અને વેપાર ક્ષેત્રમાં મોટી ચર્ચા શરૂ કરી દીધી છે.