સત્ય. સાહસ. સંકલ્પ.

રાહુલ ગાંધીની અપીલ: 'વોટ ચોરી' વિરુદ્ધ 1 નવેમ્બરે દિલ્હીમાં રેલી, લોકશાહી બચાવવા એક થાઓ

રાહુલ ગાંધીની અપીલ: 'વોટ ચોરી' વિરુદ્ધ 1 નવેમ્બરે દિલ્હીમાં રેલી, લોકશાહી બચાવવા એક થાઓ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દેશના નાગરિકોને 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે યોજાનારી 'ચલો દિલ્હી રામલીલા માર્ચ'માં મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી છે. તેમણે આ આંદોલનને કોઈ એક રાજકીય પક્ષ પૂરતું મર્યાદિત ન ગણાવતા તેને લોકશાહી, બંધારણની રક્ષા અને 'વોટ ચોરી' અટકાવવા માટેનું રાષ્ટ્રીય આંદોલન ગણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો સંદેશ શેર કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'આ માર્ચનો મુખ્ય ઉદ્દેશ્ય મતોની ચોરી અટકાવવાનો અને લોકશાહીને બચાવવાનો છે. જે લોકો નરેન્દ્ર મોદી, અમિત શાહ અને જ્ઞાનેશ કુમારથી ત્રાસી ગયા છે અને લોકશાહી તથા બંધારણની રક્ષા કરવા માગે છે, તે તમામ લોકો આ માર્ચમાં આવે. આ કોઈ રાજકીય પાર્ટીનો કાર્યક્રમ નથી, પરંતુ દેશની આત્માને બચાવવાની લડાઈ છે.'

પોલીસ કાર્યવાહી કે લાઠીચાર્જથી ન ડરવા અપીલ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, 'પોલીસ કે લાઠીઓની ચિંતા કરવાની જરૂર નથી. ભાજપમાં એટલી તાકાત નથી કે તેઓ પોતાની કોઈ દાનત પાર પાડી શકે. આપણે સૌએ સાથે મળીને દેશના બંધારણ અને રાષ્ટ્રની રક્ષા માટે આગળ વધવાનું છે, તેથી ગભરાવાની જરૂર નથી.'

રાહુલ ગાંધીએ વિવિધ રાજકીય વિચારધારા ધરાવતા વિદ્યાર્થી સંગઠનોને પણ અપીલ કરી છે કે, જો તેમને લાગતું હોય કે દેશ પર કે તેમની અભિવ્યક્તિ અને વિચારો પર હુમલો થઈ રહ્યો છે, તો તેઓ પક્ષીય ભેદભાવ ભૂલીને આ માર્ચમાં જોડાય.

દિલ્હીના રામલીલા મેદાનમાં 1 નવેમ્બરે યોજાનારી આ ભવ્ય રેલી દ્વારા કોંગ્રેસ અને 'ઈન્ડિયા' ગઠબંધન પોતાની તાકાત પ્રદર્શિત કરવાની તૈયારી કરી રહ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે આ મામલે ગઠબંધનના સાંસદો સાથે બેઠકો યોજી રહ્યા છે. આ અગાઉ શુક્રવારે 'મોક પાર્લિયામેન્ટ' (પ્રતીકાત્મક સંસદ) યોજવામાં આવશે, જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર સામે પ્રતીકાત્મક 'મહાભિયોગ' ચલાવવાની યોજના છે, ત્યારબાદ 1 નવેમ્બરે આ વિશાળ રેલી યોજાશે.