પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સંગરૂરમાં 'ઈન્સાફ રેલી'ને સંબોધતા પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી માન લોકસભામાં જોક્સ સંભળાવતા હતા અને સવારે 11 વાગ્યે પણ તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી.
રાહુલ ગાંધીએ પંજાબમાં વધતા ડ્રગ્સ અને ગેંગસ્ટરવાદ મુદ્દે આમ આદમી પાર્ટી (AAP) સરકારની ટીકા કરી. તેમણે કહ્યું કે, "મેં વર્ષો પહેલાં જ્યારે પંજાબમાં ડ્રગ્સ વધવાની વાત કરી હતી, ત્યારે અનેક રાજકીય પક્ષોએ કહ્યું હતું કે મને પંજાબની કોઈ સમજ નથી. પંજાબમાં ઉદ્યોગો અને પાયાની સુવિધાઓ હોવી ખૂબ જરૂરી છે, નહીં તો ડ્રગ્સ અને ગેંગસ્ટરવાદ જ ફેલાશે. આજે રાજ્યમાં સિન્થેટિક ડ્રગ્સ સૌથી મોટો મુદ્દો બની ચૂક્યો છે."
AAP સરકાર પર નિષ્ફળતાનો આરોપ લગાવતાં તેમણે કહ્યું કે, "AAPએ ડ્રગ્સ ખતમ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ તેમ કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે. મુખ્યમંત્રી ભગવંત માન લોકસભામાં મારી બાજુમાં બેસીને જોક્સ સંભળાવતા હતા અને સવારે 11 વાગ્યે પણ તેમના મોઢામાંથી દારૂની વાસ આવતી હતી. દારૂ પીવો એ તેમનો અંગત મામલો હોઈ શકે છે, પરંતુ જો તમારે નશા સામે લડવું હોય, તો તમારા મુખ્યમંત્રી ખુદ દરરોજ સાંજે નશો કરી શકે નહીં. પંજાબને એવા મુખ્યમંત્રીની જરૂર છે જે અહીંના દર્દને સમજી શકે."
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, "અમિત શાહ દાવો કરે છે કે તેઓ 3 વર્ષમાં ડ્રગ્સ ખતમ કરી દેશે, પરંતુ ત્યાં સુધી તેઓ ગૃહમંત્રી જ નહીં રહે, કારણ કે આ સરકાર 1 વર્ષમાં જતી રહેશે. અદાણીના પોર્ટ પરથી જે ડ્રગ્સ પકડાયું હતું, તેનું શું થયું?" વડાપ્રધાન પર પડકાર ફેંકતા તેમણે કહ્યું કે, "પીએમ મોદી દાવો કરે છે કે કોંગ્રેસ દેશદ્રોહી છે. હું કોઈપણ મંચ પર 5 મિનિટમાં સાબિત કરી દઈશ કે મોદી રાષ્ટ્રવિરોધી છે અને ડોનાલ્ડ ટ્રમ્પના નિયંત્રણમાં છે."
દિવંગત ગાયક સિદ્ધૂ મૂસેવાલાના પિતા સાથેની મુલાકાતનો ઉલ્લેખ કરતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, "મેં મારા ભાષણ માટે એક પ્લાન તૈયાર કર્યો હતો. પરંતુ સિદ્ધૂ મૂસેવાલાના પિતા આવીને મને મળ્યા અને મેં મારા ભાષણનો પ્લાન બદલી નાખ્યો. કેટલાક વર્ષ પહેલાં હું મૂસેવાલાને મળ્યો હતો. ત્યારે હું મૂસેવાલાને વધુ ઓળખતો નહોતો, પરંતુ તેઓ ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિ હતા. જ્યારે અમે મળ્યા હતા, ત્યારે જ મારા મનમાં વિચાર આવ્યો હતો કે તેઓ એક જોખમી જગ્યાએથી આવી રહ્યા છે."
તેમણે આગળ કહ્યું કે, "પછીથી મેં મૂસેવાલાનું ગીત 295 સાંભળ્યું હતું." મૂસેવાલાની સુરક્ષા હટાવીને ધોળા દિવસે કરવામાં આવેલી હત્યા અંગે ખેદ વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, "બલકૌર સિંહના પુત્ર સાથે જે બન્યું, તે હવે પંજાબમાં એક ફેશન બની ગયું છે અને આજે દરેક હોનહાર અને પ્રતિભાશાળી યુવાનને ગોળીઓથી વીંધી નાખવામાં આવી રહ્યો છે."