લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ 19 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે યોજાયેલા 'છાત્રોં કી ગૂંજ' કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ સંવાદ સત્રમાં એક વિદ્યાર્થીનીએ ગામડાંમાંથી શહેરમાં અભ્યાસ કરવા આવતી યુવતીઓ માટે હોસ્ટેલની સુવિધા અને રહેવા-જમવાના વધતા ખર્ચની સમસ્યા રજૂ કરી હતી. તેણે પ્રશ્ન ઉઠાવ્યો કે સરકાર પાસે અન્ય કામો અને દીવા પ્રજ્વલિત કરવા માટે નાણાં છે, પણ વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ કેમ નથી બનતી?
આ ચર્ચા બાદ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે રહેવાની યોગ્ય સુવિધા અને સુરક્ષિત જગ્યાના અભાવે તથા મોંઘવારીના સમયમાં પૂરતું આવાસ ભથ્થું ન મળવાને કારણે અનેક દીકરીઓ પોતાનો અભ્યાસ અધૂરો છોડી દેવા મજબૂર બને છે. રાહુલે સીધો સવાલ પૂછ્યો કે શું વડાપ્રધાન પાસે આ દીકરીના પ્રશ્નનો કોઈ જવાબ છે? કાર્યક્રમમાં શિક્ષણ, રોજગાર અને યુવાનોના અન્ય મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ હતી.
બીજી તરફ, ભારતીય જનતા પાર્ટીએ આ કાર્યક્રમમાં બનેલી એક ઘટનાને લઈને રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા છે. દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ નેતા મનજિન્દર સિંહ સરસાએ આરોપ લગાવ્યો છે કે કાર્યક્રમ દરમિયાન એક સ્ટેન્ડઅપ કમેડિયને વડાપ્રધાનની મિમિક્રી કરતી વખતે તેમની સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ અશોભનીય ટિપ્પણી કરી હતી, અને રાહુલ ગાંધી આ વાત પર હસી રહ્યા હતા. ભાજપના નેતાઓએ આ આચરણને અત્યંત શરમજનક અને સંસ્કારોની વિરુદ્ધ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોપરી છે અને રાજકીય વિરોધ વચ્ચે આ પ્રકારનો ઉપહાસ સહન કરી શકાય નહીં.