કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ ઈન્દોરમાં 'છાત્રૌ કી ગૂંજ' કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને યુવાનો સાથે સીધો સંવાદ કર્યો હતો. આ પ્રસંગે તેમણે દેશની શિક્ષણ વ્યવસ્થા અને વર્તમાન સરકાર પર પ્રહારો કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સવાલ પૂછવો એ વિદ્યાર્થીઓનો સહજ સ્વભાવ છે અને હાલમાં દેશનો યુવા વર્ગ ભારે દબાણ હેઠળ છે. તેમણે જણાવ્યું કે, 'વિદ્યાર્થીઓ દેશનું ભવિષ્ય છે, પરંતુ વર્તમાન સિસ્ટમ તેમનું ભવિષ્ય બગાડી રહી છે. શિક્ષણ એ કોઈ મોજશોખ કે લક્ઝરી નથી, પરંતુ દરેક નાગરિક અને વિદ્યાર્થીનો મૂળભૂત અધિકાર છે. દેશમાં શિક્ષણ વ્યવસ્થા પર સિસ્ટમ કબજો જમાવીને બેઠી છે.' તેમણે ઉમેર્યું કે, સિસ્ટમ પોતાના સંસ્થાનોમાં પોતાના લોકોને બેસાડે છે અને જે વિદ્યાર્થીઓ સવાલો પૂછે છે તેમનાથી ડરે છે.
સરકારની નીતિઓ પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ આંકડાકીય વિગતો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, 2014માં શિક્ષણ માટે બજેટનો 4.6% હિસ્સો ફાળવવામાં આવતો હતો, જે ઘટીને હવે 2.6% થઈ ગયો છે. છેલ્લા 10 વર્ષમાં 1.5 કરોડ વિદ્યાર્થીઓ પાસેથી સ્કોલરશિપ છીનવી લેવામાં આવી છે. દેશમાં 10 લાખ શિક્ષકોના પદો ખાલી પડ્યા છે અને 1 લાખ સરકારી શાળાઓ બંધ થઈ ગઈ છે, જેમાંની 55% શાળાઓ મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશમાં હાલમાં જે દ્વેષ અને નફરતનો માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે, તેને માત્ર યુવાનો અને વિદ્યાર્થીઓ જ પ્રેમ અને સંવાદથી દૂર કરી શકે છે. તેમણે ઉમેર્યું કે તેઓ એવું ભારત ઈચ્છે છે, જે વિદ્યાર્થીઓના સપનાનું હોય, નફરતનું નહીં.