સત્ય. સાહસ. સંકલ્પ.

IDBI બેંક વેચાણ પર રાહુલ ગાંધીનો સવાલ: 'દેશનિર્માણનાં સાધનો વેચવાની સંપત્તિ નથી'

IDBI બેંક વેચાણ પર રાહુલ ગાંધીનો સવાલ: 'દેશનિર્માણનાં સાધનો વેચવાની સંપત્તિ નથી'

IDBI બેંકના ખાનગીકરણને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંકના કર્મચારીઓને ખુલ્લો પત્ર લખીને તેમનું સમર્થન વ્યક્ત કર્યું છે અને કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે.

તેમણે IDBI બેંકને કેનેડાની કંપની Fairfax Financial Holdingsને વેચવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે સરકારી બેંકો વેચી નાખવાની સંપત્તિ નથી, પરંતુ દેશના નિર્માણનાં સાધનો છે.

પત્રમાં તેમણે જણાવ્યું કે ગયા વર્ષે માર્ચમાં બેંકના કર્મચારીઓનું એક પ્રતિનિધિમંડળ સંસદ ભવનમાં તેમને મળ્યું હતું. કર્મચારીઓએ સવાલ કર્યો હતો કે જે બેંકને તેમણે નફાકારક બનાવી છે, તેને સરકાર શા માટે વેચી રહી છે? રાહુલ ગાંધીએ આ મુદ્દો લોકસભામાં પણ ઉઠાવ્યો હતો, પરંતુ સરકાર તરફથી સંતોષકારક જવાબ મળ્યો નહોતો.

રાહુલ ગાંધીએ પત્રમાં જણાવ્યું કે સાત વર્ષ પહેલાં IDBI બેંક ખોટ કરી રહી હતી, પરંતુ ગયા વર્ષે બેંકે 9 હજાર કરોડ રૂપિયાથી વધુનો નફો કર્યો હતો. આ સફળતા બેંકના કર્મચારીઓની મહેનતનું પરિણામ છે. તેમણે કહ્યું કે જાહેર નાણાંથી બનેલી સંસ્થા પર જનતાનો અધિકાર છે.

હાલમાં સરકાર અને LIC પાસે બેંકનો 95 ટકા હિસ્સો છે. વેચાણ બાદ તેમનો હિસ્સો ઘટીને 34 ટકા થઈ જશે. રાહુલ ગાંધીએ યાદ અપાવ્યું કે 2003માં સરકારે સંસદમાં IDBIમાં 50 ટકાથી વધારે હિસ્સો જાળવી રાખવાનું વચન આપ્યું હતું.

તેમણે આશંકા વ્યક્ત કરી કે બેંકનું ખાનગીકરણ થતાં SC, ST અને OBC ઉમેદવારો માટેની અનામત વ્યવસ્થા સમાપ્ત થઈ શકે છે. કર્મચારીઓની સેવા શરતો પર પણ તેની અસર પડી શકે છે. તેમણે કર્મચારીઓની તમામ વાજબી માગણીઓને સમર્થન આપ્યું છે.

કેન્દ્ર સરકારે 14 ઓક્ટોબરે IDBI બેંકનો 60.72 ટકા હિસ્સો કેનેડાની Fairfax Financial Holdingsને આશરે 53 હજાર કરોડ રૂપિયામાં વેચવાની મંજૂરી આપી હતી. Fairfax પ્રતિ શેર 81 રૂપિયા ચૂકવશે. આ સોદો RBIની મંજૂરીને આધીન છે અને ચાલુ નાણાકીય વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે.