ગોવાના મડગાંવ ખાતે યોજાયેલી જાહેર સભામાં કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો કે ભાજપના નેતાઓએ તેમની સામે 45થી વધુ માનહાનિના કેસ કર્યા છે, પરંતુ 'મત ચોરી'ના આરોપો બદલ એક પણ કેસ કરવાની હિંમત દાખવી નથી.
રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ દરેક રાજ્યમાં ખુલ્લેઆમ કહે છે કે નરેન્દ્ર મોદી મત ચોરી કરે છે, છતાં તેમની સામે કોઈ કેસ કરવામાં આવ્યો નથી. તેમની દલીલ હતી કે જો આ મામલે કેસ દાખલ થશે તો આખો વિષય કાનૂની તપાસ હેઠળ આવશે અને ભાજપના નેતાઓ પોતે તેમાં ફસાઈ જવાના ભયથી આમ કરતા નથી.
તેમણે આરોપ લગાવ્યો કે ચૂંટણી પંચ, ગૃહમંત્રી અમિત શાહ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મળીને વિપક્ષના મતો દૂર કરવાનું અને પોતાના મતો વધારવાનું કામ કરે છે.
આગામી વર્ષે યોજાનારી ગોવા વિધાનસભા ચૂંટણી પહેલા યોજાયેલી આ રેલીમાં રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોને ચૂંટણી દરમિયાન અત્યંત સતર્ક રહેવાની સલાહ આપી. તેમણે કહ્યું કે કોંગ્રેસના કાર્યકરો બંધારણના રક્ષકો છે અને જો ક્યાંય મતોની ચોરીનો પ્રયાસ થાય તો તેને પકડવાની જવાબદારી કાર્યકરોની છે.
તેમણે ગોવાની ભાજપ સરકાર પર સ્થાનિક લોકોના ભોગે પોતાના ઉદ્યોગપતિ મિત્રોને ધનવાન બનાવવાનો પણ આરોપ લગાવ્યો.
બીજી તરફ, દિલ્હીમાં આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન એનએસયુઆઇએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. સંગઠને માર્ચ યોજી હતી, જેને પોલીસે રોકી દીધી હતી. યુથ કોંગ્રેસે પણ રાયસિના રોડ સ્થિત તેના કાર્યાલય ખાતેથી આ મુદ્દે વિરોધ પ્રદર્શનની યોજના બનાવી છે.