સત્ય. સાહસ. સંકલ્પ.

રાહુલ ગાંધીનો ડોટાસરાને ફોન: NSUI નેતા સાથે મારપીટ કરનાર મહિલા કોન્સ્ટેબલ સામે FIR કરો

રાહુલ ગાંધીનો ડોટાસરાને ફોન: NSUI નેતા સાથે મારપીટ કરનાર મહિલા કોન્સ્ટેબલ સામે FIR કરો

દિલ્હીમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામેના વિરોધ પ્રદર્શન દરમિયાન NSUI નેતા રિતુ બરાલા સાથે મહિલા પોલીસકર્મીએ મારપીટ કરી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. આ મામલે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાને ફોન કરીને મહિલા કોન્સ્ટેબલ સામે FIR નોંધાવવાની સૂચના આપી છે.

રાહુલ ગાંધીએ રાજસ્થાન અને કેરલમમાં કાયદેસર કાર્યવાહી માટે પક્ષના નેતાઓને સૂચના આપી છે. દિલ્હી પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી ન હોવાના આક્ષેપ વચ્ચે આ પગલું લેવાયું છે. રાજસ્થાન કોંગ્રેસ પ્રમુખ ગોવિંદ સિંહ ડોટાસરાએ ઝુંઝુનુની રિતુ બરાલાના મામલે FIR નોંધાવી હોવાની પુષ્ટિ કરી છે. દિલ્હી પોલીસની મહિલા કોન્સ્ટેબલ ચંચલ યાદવ સામે રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

રાહુલ ગાંધીએ ડોટાસરા સાથે ફોન પર વાત કરીને રિતુ બરાલા સાથે મારપીટ કરનાર મહિલા કોન્સ્ટેબલ સામે નામજોગ ફરિયાદ નોંધાવવા જણાવ્યું હતું. તેમના જણાવ્યા અનુસાર, કોન્સ્ટેબલ ચંચલ યાદવે રિતુ બરાલા સાથે મારપીટ કરી હતી અને તેમનાં કપડાં ફાડી નાખ્યાં હતાં. ડોટાસરાએ જણાવ્યું કે રાહુલ ગાંધીનો ફોન આવ્યા બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે. રિતુ બરાલા હાલ જયપુરમાં ન હોવાથી, તેઓ પરત ફર્યા બાદ તેમને સાથે રાખીને પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે અને દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવશે.

કેરલમમાં પણ આ મામલે ઝીરો FIR નોંધાઈ છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં દાવો કર્યો હતો કે દિલ્હી પોલીસ વિદ્યાર્થીઓ સાથે થયેલી કથિત મારપીટના મામલે FIR નોંધવાનો ઇનકાર કરી રહી છે. તેમણે કેરલમના ગૃહમંત્રી રમેશ ચેન્નિથલા અને ડોટાસરા સાથે આ મુદ્દે વાત કરી હોવાનું જણાવ્યું હતું. તેમના દાવા પ્રમાણે, કેરલમમાં આ મામલે ઝીરો FIR નોંધાઈ ચૂકી છે. જવાબદાર પોલીસ અધિકારીઓ સામે કેરલમ, રાજસ્થાન અને અદાલત મારફતે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓને બસમાં લઈ જતી વખતે રિતુ બરાલા અને મહિલા પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી થઈ હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યાર બાદ રાહુલ ગાંધી NSUIના કાર્યકરો સાથે મીડિયા સમક્ષ આવ્યા હતા અને દિલ્હી પોલીસ પર વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન કર્યાના આક્ષેપો કર્યા હતા. તેમણે રિતુ બરાલાને ‘શેરની’ ગણાવી હતી. રાહુલ ગાંધીએ 1930ના ધરાસણા સત્યાગ્રહનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સત્યાગ્રહીઓએ પોલીસની લાઠીઓ સહન કરી, પરંતુ હાથ ઉઠાવ્યો નહોતો. તેમના મતે, પોલીસ શારીરિક નુકસાન પહોંચાડી શકે છે, પરંતુ સત્યાગ્રહની ભાવનાને દબાવી શકતી નથી.