સત્ય. સાહસ. સંકલ્પ.

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્રમક પ્રહાર, નિમણૂક અને મતદાર યાદીમાં અનિયમિતતાનો આરોપ

રાહુલ ગાંધીનો ચૂંટણી પંચ પર આક્રમક પ્રહાર, નિમણૂક અને મતદાર યાદીમાં અનિયમિતતાનો આરોપ

કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે નવી દિલ્હીમાં પત્રકાર પરિષદમાં કેન્દ્ર સરકાર, ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની નિમણૂક, પંચની કાર્યપ્રણાલી, નિર્ણયો અને મતદાર યાદી સુધારણામાં થયેલી કથિત અનિયમિતતાઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે દેશમાં મતાધિકારને નષ્ટ કરીને કાયદા અને બંધારણીય સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે, જે દરેક ભારતીય નાગરિકની લોકતાંત્રિક અભિવ્યક્તિ અને બંધારણીય માળખા પર સીધો હુમલો છે.

પત્રકાર પરિષદ પહેલાં રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ મૂકીને જણાવ્યું હતું કે, 'બંધારણના દુશ્મનોનો પર્દાફાશ થઈ ગયો છે અને હવે ન્યાય ચોક્કસપણે મળશે, હું આ મામલે સાંજે 4 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ સંબોધીશ.'

પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં રાહુલ ગાંધીએ પોતાના રાજકીય અનુભવ અને એન્ટી-ઇન્કમ્બન્સી અંગે વાત કરતાં જણાવ્યું કે, 'હું એક રાજકીય પરિવારમાંથી આવું છું અને મેં મારી જિંદગીના 50 વર્ષથી વધુ સમય આ રાજકીય માહોલમાં વિતાવ્યા છે. ભારતમાં એન્ટી-ઇન્કમ્બન્સી એક પાયાનું રાજકીય બળ છે જે કોઈપણ સરકાર સામે બહુ ઝડપથી વિરોધમાં ઊભું થઈ જાય છે અને તેનાથી કોઈ પણ બચી શકતું નથી.'

ભૂતકાળના રાજકીય પ્રવાહો યાદ અપાવતા રાહુલ ગાંધીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનો સંદર્ભ આપતાં જણાવ્યું કે, 'ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશ મુક્તિ યુદ્ધ જીત્યું ત્યારે તેઓ પોતાની લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે હતા, તેમ છતાં માત્ર બે-ત્રણ વર્ષના ગાળામાં જ તેમને પ્રચંડ સત્તા વિરોધી લહેર અને ભારે રાજકીય દબાણનો સામનો કરવો પડ્યો હતો, જે કોંગ્રેસના અન્ય નેતાઓ તથા પ્રાદેશિક પક્ષો સાથે પણ બનતું રહ્યું છે.'

વડાપ્રધાન અને ગૃહમંત્રીનો વીડિયો દર્શાવ્યા બાદ સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'મને એ સમજાતું નથી કે નરેન્દ્ર મોદી, અમિત શાહ અને ભાજપના કિસ્સામાં આવું કેમ નથી થતું. કોઈ વ્યક્તિ કે સરકારની લોકપ્રિયતા સમજી શકાય છે, પરંતુ ભાજપના શાસનમાં આ લહેર અચાનક ક્યાં ગાયબ થઈ જાય છે તે સમજવું અશક્ય છે.'

વિવિધ રાજ્યોના ચૂંટણી પરિણામો સામે આંગળી ચીંધતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'હરિયાણામાં છેલ્લા 50 વર્ષથી સતત સત્તા પરિવર્તન થતું રહ્યું હતું, ત્યાં અચાનક સત્તા વિરોધી લહેર ખતમ થઈ ગઈ. મહારાષ્ટ્રમાં લહેર ગાયબ થઈ ગઈ. ઉત્તર પ્રદેશમાં ક્યારેક સપા તો ક્યારેક બસપાની સરકાર બનતી હતી, ત્યાં પણ આવું જ બન્યું અને મધ્ય પ્રદેશ તથા ગુજરાતમાં પણ આ જ સ્થિતિ ઊભી કરવામાં આવી છે.'

લોકશાહી ન હોવાના દેશોના ઉદાહરણ આપતાં રાહુલ ગાંધીએ જણાવ્યું કે, 'જ્યાં લોકશાહી અસ્તિત્વ ધરાવતી નથી, જેમ કે ઈરાક કે ઉત્તર કોરિયા, ત્યાં જ સત્તા વિરોધી લહેર જોવા મળતી નથી અને ભારતમાં પણ હવે આ જ પરિસ્થિતિ પેદા કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.'

મતદાનની તાકાતને લોકશાહીનો પાયો ગણાવતાં રાહુલ ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, 'નાગરિકોનો મત જ બંધારણને શક્તિ પૂરી પાડે છે અને તેના આધારે જ દેશનું ભવિષ્ય નક્કી થાય છે.' તેમણે ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા.