સત્ય. સાહસ. સંકલ્પ.

ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષનું સુપ્રીમ કોર્ટમાં માર્ચ, રાહુલ ગાંધીનો 200 અધિકારીઓ સંપર્કમાં હોવાનો દાવો

ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિપક્ષનું સુપ્રીમ કોર્ટમાં માર્ચ, રાહુલ ગાંધીનો 200 અધિકારીઓ સંપર્કમાં હોવાનો દાવો

દિલ્હીમાં ચૂંટણીમાં ગેરરીતિ અને 'વોટ ચોરી'ના આક્ષેપો વચ્ચે રાજકીય ઘમાસાણ વધ્યું છે. INDIA ગઠબંધનના નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ તરફ માર્ચ કરી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત 8 મોટા નેતાઓ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવાની તૈયારીમાં છે.

માર્ચ પહેલાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું, 'દિલ્હીમાં ઘણા દિવસોથી વોટ ચોરી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. સવાલ એ છે કે દિલ્હીને જેલમાં કેમ ફેરવી દેવામાં આવી છે? લોકોને શહેરમાં આવતા રોકવામાં આવી રહ્યા છે, ટ્રેનો અને બસોમાં અટકાવાઈ રહ્યા છે. બધે જ પોલીસ તહેનાત છે અને દિલ્હીને કિલ્લા જેવું બનાવી દેવાયું છે.'

પોલીસ તહેનાતી અંગે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં તેમણે કહ્યું, 'અમે ઇચ્છીએ છીએ કે રસ્તાઓ પર 20,000થી 30,000 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવે. સરકાર મોટી ભૂલ કરી રહી છે, કારણ કે અમે આખા દેશને બતાવવા માંગીએ છીએ કે પીએમ મોદી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. તેમને જેટલી વધારે સુરક્ષા મળશે, અમે આખરે તેમના કંટ્રોલર સુધી એટલી જ સરળતાથી પહોંચી શકીશું. અમને એવા સમાચાર પણ મળી રહ્યા છે કે પોલીસકર્મીઓ પોતે હેરાન છે, કારણ કે તેમને યુવાનો પર લાઠીચાર્જ કરવાનો આદેશ અપાયો છે જ્યારે RSSના સભ્યોને છૂટો દોર આપવાના નિર્દેશો અપાયા છે.'

ચૂંટણી કમિશનરની ભૂમિકા સામે સવાલો કરતાં રાહુલ ગાંધીએ કહ્યું, 'આ બધું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે અમે એ જ સવાલ ઉઠાવી રહ્યા છીએ જે બે ચૂંટણી કમિશનરોએ પૂછ્યો હતો કે, જ્ઞાનેશ કુમાર રાજીનામું કેમ નથી આપી રહ્યા? જ્ઞાનેશ કુમાર, તમારી ઊંઘ ઊડી ગઈ છે, અમે તમને છોડીશું નહીં… અમને તમારા ભૂતકાળ અને તમારા ભ્રષ્ટાચાર વિશે બધી જાણ છે, અને અમે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છીએ.'

CJI સાથેના પત્રવ્યવહાર વિશે માહિતી આપતાં તેમણે કહ્યું, 'કોંગ્રેસ અધ્યક્ષ અને મેં મુખ્ય ન્યાયાધીશને પત્ર લખીને ભારતીય લોકશાહીની હત્યા અને ચૂંટણીની નિષ્પક્ષતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. CJI તરફથી અમને જવાબ મળ્યો અને અરજી દાખલ કરવાનો નિર્દેશ અપાયો છે. આજે INDIA ગઠબંધનના તમામ નેતાઓ અને હું સાથે મળીને સુપ્રીમ કોર્ટ જઈ રહ્યા છીએ અને આ અરજી દાખલ કરીશું.'

પોલીસ અને જનતાના સમર્થનનો દાવો કરતા રાહુલ ગાંધીએ કહ્યું, '50% પોલીસકર્મીઓ અમને કહી રહ્યા છે કે અમે જે કરી રહ્યા છીએ તે સાચું છે અને અમારે આ લડત ચાલુ રાખવી જોઈએ. એક તરફ પોલીસ, ITBP, CRPF અને ભારતના સામાન્ય નાગરિકો છે, જ્યારે બીજી તરફ નરેન્દ્ર મોદી, અમિત શાહ, અજીત ડોભાલ, જ્ઞાનેશ કુમાર અને ચૂંટણી પંચના 4-5 સભ્યો છે જે વોટ ચોરી કરીને આખા દેશને હાઇજેક કરવામાં મદદ કરી રહ્યા છે. અમે આ બંને પક્ષો વચ્ચેનું અંતર સતત વધારી રહ્યા છીએ.'

કેન્દ્ર સરકારને પડકાર ફેંકતા રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, 'હું નરેન્દ્ર મોદીને કહેવા માંગુ છું કે ED, CBI, IT અને અમારા દેશની 200 જેટલી સરકારી અધિકારીઓ અમારા સંપર્કમાં છે. તેમણે અમને કહ્યું છે કે તમે જે કરી રહ્યા છો તે સાચું છે, અમે તમારી સાથે છીએ.'

આ ઘટનાક્રમ પર સત્તાવાર પ્રતિક્રિયા હજુ આવી નથી. ચૂંટણી પંચે આ આક્ષેપો અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. વિપક્ષના આ પગલાને લોકશાહી પ્રક્રિયા પરના દબાણ તરીકે જોવામાં આવી રહ્યું છે, જ્યારે સત્તાપક્ષ તેને રાજકીય દોરવણી ગણાવે તેવી શક્યતા છે.