સત્ય. સાહસ. સંકલ્પ.

E20 પેટ્રોલ વિવાદ: રાહુલ ગાંધીનો 31% ઈથેનોલ ભેળવવાનો આરોપ, સરકાર પાસે સ્પષ્ટતા માંગી

E20 પેટ્રોલ વિવાદ: રાહુલ ગાંધીનો 31% ઈથેનોલ ભેળવવાનો આરોપ, સરકાર પાસે સ્પષ્ટતા માંગી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ પ્રીમિયમના નામે છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, પેટ્રોલમાં નિર્ધારિત મર્યાદા કરતાં વધુ ઈથેનોલ ભેળવવામાં આવે છે, જેનાથી ગ્રાહકોને આર્થિક નુકસાન થાય છે અને વાહનોને પણ નુકસાન પહોંચે છે.

રાહુલ ગાંધીએ કર્ણાટક સરકારની તપાસનો ઉલ્લેખ કર્યો હતો. કર્ણાટક સરકારે સાત જિલ્લાઓમાંથી પેટ્રોલના નમૂના લઈને માન્યતા પ્રાપ્ત પ્રયોગશાળામાં તપાસ કરાવી હતી. તેમના જણાવ્યા મુજબ, 14માંથી 11 નમૂનાઓમાં ઈથેનોલનું પ્રમાણ 20 ટકાથી વધુ જોવા મળ્યું છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOCL)ના નમૂનામાં 31.2 ટકા અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન (HPCL)ના નમૂનામાં 30.5 ટકા સુધી ઈથેનોલ મળી આવ્યું છે.

રાહુલ ગાંધીએ આ મામલાને 'E20 બન્યું 420' ગણાવતા કહ્યું કે, ગ્રાહકો પેટ્રોલના પૂરા પૈસા ચૂકવે છે, પરંતુ તેમની ગાડીઓની ટાંકીમાં વધુ પડતું ઈથેનોલ ભરવામાં આવે છે. મોટાભાગના વાહનો આટલી મોટી માત્રામાં ઈથેનોલ વાપરવા માટે સક્ષમ નથી હોતા, જેના કારણે ગાડીઓનું માઇલેજ ઘટી જાય છે અને વારંવાર રિપેરિંગ કરાવવાની સ્થિતિ ઊભી થાય છે. તેમણે એમ પણ કહ્યું કે, પેટ્રોલ પંપો પર ગ્રાહકોને આ અંગે કોઈ સ્પષ્ટ માહિતી કે વિકલ્પ આપવામાં આવતો નથી.

પીએમ મોદીની સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે, દેશના વાહનોની ટાંકીઓમાં આખરે શું ભરાઈ રહ્યું છે અને મર્યાદા કરતાં વધુ ઈથેનોલ ભેળવતી કંપનીઓ સામે ક્યારે પગલાં લેવામાં આવશે? તેમણે સરકારની આ નીતિઓથી કોને ફાયદો થઈ રહ્યો છે તે અંગે પણ સવાલ ઉઠાવ્યા છે.