સત્ય. સાહસ. સંકલ્પ.

જ્ઞાનેશ કુમારને હટાવો તો 30 સેકન્ડમાં આંદોલન બંધ: રાહુલ ગાંધીનો દિલ્હીના વેપારીઓને સંદેશ

જ્ઞાનેશ કુમારને હટાવો તો 30 સેકન્ડમાં આંદોલન બંધ: રાહુલ ગાંધીનો દિલ્હીના વેપારીઓને સંદેશ

કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીના વેપારીઓને સંબોધતા કહ્યું છે કે, જો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 'આરોપી નંબર 4' તરીકે ઓળખાતા જ્ઞાનેશ કુમારને પદ પરથી હટાવે તો વિપક્ષનું આંદોલન 30 સેકન્ડમાં બંધ થઈ જશે. તેમણે આ વાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક વીડિયો શેર કરીને કહી હતી.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, કોંગ્રેસ દિલ્હીના દરેક વેપારી સાથે ઊભી છે અને તેમની સમસ્યાઓ સાંભળી રહી છે. સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે, મેટ્રો સરકારે બંધ કરી, રસ્તાઓ સરકારે સીલ કર્યા અને રાજધાનીને તાળાં પણ સરકારે જ માર્યા છે. તેમણે ચેતવણી આપી કે, જો ચૂંટણીમાં મતોની ચોરી થાય તો દેશમાં કંઈ પણ સુરક્ષિત રહેતું નથી – ન તમારી દુકાન, ન તમારી બચત કે ન તમારા બાળકોનું ભવિષ્ય.

જોકે, રાહુલ ગાંધીએ તેમની પોસ્ટમાં એ સ્પષ્ટ કર્યું નથી કે જ્ઞાનેશ કુમારને કયા આધારે 'આરોપી નંબર 4' કહ્યા છે.

આ અગાઉ, વિપક્ષી ગઠબંધન INDIA દ્વારા 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં વોટ ચોરી વિરુદ્ધ વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અંગે ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના પ્રમુખ બ્રિજેશ ગોયલે રાહુલ ગાંધીને પત્ર લખીને તારીખ બદલવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે, આ રેલી તહેવારોની સિઝનમાં થઈ રહી છે, જ્યારે ધનતેરસ અને દિવાળી નજીક હોવાથી બજારોમાં ગ્રાહકોની ભારે ભીડ રહે છે. રામલીલા મેદાનની આસપાસ રેલી યોજાવાથી જથ્થાબંધ અને છૂટક બજારોમાં ખરીદી પર મોટી અસર પડી શકે છે.

CTI પ્રમુખે વધુમાં જણાવ્યું કે, દિલ્હીમાં ધનતેરસ અને દિવાળી દરમિયાન સોના-ચાંદી, ઈલેક્ટ્રોનિક્સ, કાપડ, વાસણો, ડ્રાયફ્રૂટ્સ, મીઠાઈઓ, વાહનો અને ભેટ-સોગાદો જેવા ક્ષેત્રોમાં આશરે 25,000 કરોડ રૂપિયાનો વેપાર થાય છે. આ વર્ષે 6 નવેમ્બરે ધનતેરસ, 8 નવેમ્બરે દિવાળી અને 10 નવેમ્બરે ભાઈબીજ ઉજવાશે. તહેવારોના લગભગ એક સપ્તાહ પહેલાં બજારોમાં ખરીદીની રોનક ખૂબ વધી જતી હોવાથી, વેપારી સંગઠને આ રેલી 1 નવેમ્બરના બદલે 10 નવેમ્બર પછી યોજવા વિનંતી કરી હતી.