લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને કહ્યું કે લોકશાહી માટે અવાજ ઉઠાવતી મહિલાઓ અને વિદ્યાર્થીઓ સાથે પોલીસ બર્બરતાપૂર્વક વર્તી રહી છે.
રાહુલ ગાંધીએ પોસ્ટમાં જણાવ્યું કે, “યૌન ઉત્પીડન, કપડાં ખેંચવા અને અંગો પર હુમલા જેવી ઘટનાઓ બની રહી છે. આ ડરાવવાનો પ્રયાસ છે.” તેમણે આ પોસ્ટ સાથે એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તેઓ પીડિતો સાથે વાતચીત કરતા જોવા મળે છે.
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, “આ બધું અવાજોને દબાવવાના ષડયંત્રનો હિસ્સો છે, જેમાં લોકોને એટલું ડરાવી દેવામાં આવે છે કે તેઓ ફરી સવાલ ઉઠાવવાની હિંમત ન કરે.”
તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર પણ પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે, “મોદી-શાહ જાણે છે કે સત્તા ગઈ તો તેમની મનમાનીની કહાની ખતમ થઈ જશે. આ ડર પોલીસ સુધી પહોંચે છે અને હિંસા બનીને દેશના યુવાનો અને મહિલાઓ પર તૂટી રહ્યો છે.”
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીની આ પોસ્ટ સામે ભાજપે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી. દિલ્હી પોલીસે પણ આ આક્ષેપો અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.