લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મંગળવારે દિલ્હીના ત્રિલોકપુરી ખાતે યોજાયેલી 'વોટ અધિકાર, જીને કા અધિકાર' જન સુનાવણીમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં તેમની સાથે CPI (ML)ના નેતા દીપાંકર ભટ્ટાચાર્ય અને સ્વરાજ ઇન્ડિયાના યોગેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા. સુનાવણીમાં રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યો કે દેશમાં ઉપરના સ્તરેથી મતદાર યાદીમાં ગરીબોના નામ જાણી જોઈને દૂર કરવામાં આવી રહ્યા છે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે માત્ર ચાર બૂથમાંથી 416 નામો ગેરકાયદેસર રીતે દૂર કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે આ મુદ્દે સમગ્ર વિપક્ષ એકજૂટ છે અને જ્યાં સુધી મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે અથવા વડાપ્રધાન તેમને પદ પરથી નહીં હટાવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમણે આરોપ કર્યો કે 'નયા હિન્દુસ્તાન' બનાવવાના નામે ગરીબો અને સામાન્ય નાગરિકોના મતાધિકાર છીનવીને દેશને માત્ર કેટલાક પસંદગીના અબજોપતિઓના હિતમાં ચલાવવામાં આવી રહ્યો છે.
આ વિવાદ મતદાર યાદીના SIRમાં કથિત અનિયમિતતાઓને લઈને ચાલી રહ્યો છે. વિપક્ષી ગઠબંધન ચૂંટણી આયોગ પાસે જવાબદારી નક્કી કરવાની માંગ કરી રહ્યું છે. આ વિરોધના ભાગરૂપે કોંગ્રેસે 30 ઓક્ટોબરે મુખ્ય ચૂંટણી કમિશનર સામે પ્રતીકાત્મક મહાભિયોગ અને 1 નવેમ્બરે રામલીલા મેદાન ખાતે 'દિલ્હી ચલો' માર્ચ તથા જનસભા યોજવાનું આયોજન કર્યું છે.
બીજી બાજુ, દિલ્હી પોલીસના સૂત્રોએ સ્પષ્ટ કર્યું છે કે રામલીલા મેદાનની રેલી માટે આપેલી મંજૂરી પાછી ખેંચવામાં આવી નથી. કોંગ્રેસે મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી 25 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી આ મેદાનના ઉપયોગ માટે પરવાનગી મેળવી છે અને ચૂંટણી આયોગમાં જવાબદારી નક્કી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.