કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફરી એકવાર ખુલ્લી ચર્ચા માટે પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ગમે તે મંચ અને ગમે તે જગ્યા પસંદ કરે, તેઓ ચર્ચા માટે તૈયાર છે.
રાહુલ ગાંધીએ પોતાની એક્સ પોસ્ટમાં લખ્યું કે પડકાર આપ્યાને 24 કલાક થઈ ગયા છે. જો વડાપ્રધાન વિપક્ષને દેશદ્રોહી કહેતા હોય, તો તે ગમે તે મંચ પસંદ કરે, હું તેમની સાથે ચર્ચા કરવા તૈયાર છું.
તેમણે સૂચન કર્યું કે ચર્ચામાં મોહન ભાગવતને પણ જજ બનાવી શકાય. તેમણે કહ્યું કે ચર્ચાનો મુખ્ય પ્રશ્ન એ હોવો જોઈએ કે ખરેખર દેશદ્રોહી કોણ છે અને વિદેશી તાકાતો સાથે કોનું કેવું જોડાણ છે. બંને પક્ષો સામસામે બેસે, મીડિયા અને દેશના યુવાનો હાજર રહે, એવી તેમણે ઈચ્છા વ્યક્ત કરી.
રાહુલ ગાંધીએ કહ્યું કે ચર્ચામાં અમેરિકા સાથે થયેલી ડીલ, અદાણી કેસ બંધ થવો અને એપસ્ટીન ફાઇલ જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. તેમણે પૂછ્યું કે અમેરિકા સાથેની ડીલ કેવી રીતે, શા માટે અને આટલી ઝડપથી થઈ, અને કેબિનેટને આ અંગે જાણ કેમ નહોતી.
તેમણે વડાપ્રધાનને કહ્યું, 'તમે સામે આવો, ડરો નહીં. સામસામે બેસીને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરો.' તેમણે ઉમેર્યું કે સામસામેની ચર્ચાથી વડાપ્રધાન તેમના પર મૂકેલા આક્ષેપો દેશ સામે સ્પષ્ટ થઈ જશે.
રાહુલ ગાંધીએ જણાવ્યું કે તેમની સામે બદનક્ષીના લગભગ 45 કેસ ચાલી રહ્યા છે, પણ વિદેશી કનેક્શનના આક્ષેપો પર કોઈ કેસ કરવામાં આવ્યો નથી. તેમણે સરકારને આ મુદ્દે પણ કેસ દાખલ કરવાનું કહ્યું, જેથી ત્યાં પણ ખુલ્લી ચર્ચા થઈ શકે.
આ પહેલાં 2 નવેમ્બરે પણ રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વડાપ્રધાન પર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન વિદેશી મદદથી પદ પર પહોંચ્યા છે અને વિદેશી ટેકાથી જ ટકી રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વડાપ્રધાન તેમની સાથે ચર્ચામાં ક્યારેય નહીં આવે, કારણ કે તેઓ સચ્ચાઈથી ડરે છે.