નવી દિલ્હી: કૉકરોચ જનતા પાર્ટી (CJP) ના ત્રણ આગેવાનોની અટકાયત બાદ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન વધુ તીવ્ર બન્યું છે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે તેમનું આંદોલન અટકશે નહીં. આ વચ્ચે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ જાહેરાત કરી છે કે 12 ઓક્ટોબરે કોંગ્રેસ, INDIA ગઠબંધન અને દેશના યુવાનો મોટી સંખ્યામાં રસ્તા પર ઊતરીને દેશભરમાં અવાજ ઉઠાવશે.
CJPના આંદોલનની કમાન હવે અજિંક્ય શિંદેને સોંપવામાં આવી છે. અભિજીત દીપેકે, આશુતોષ રાંકા અને સૌરવ દાસની અટકાયત પછી આ નિર્ણય લેવામાં આવ્યો. શિંદેએ જણાવ્યું કે રવિવારે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને લડત આગળ ધપાવવામાં આવશે.
રાહુલ ગાંધીએ દિલ્હી પોલીસ અને ભાજપ-RSS સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું, “અમિત શાહની દિલ્હી પોલીસ ગુંડાગીરી પર ઊતરી આવી છે અને RSS-BJPના ગુંડાઓને મહિલાઓ તથા યુવાનો પર હિંસા કરવાની છૂટ આપી રહી છે. નરેન્દ્ર મોદી અને તેમની સરકાર જનતાને જેટલું દબાવશે, Gen Z અને વિદ્યાર્થીઓનો આક્રોશ એટલો જ વધશે.”
રાહુલ ગાંધીએ વધુમાં જણાવ્યું કે, “12 ઓક્ટોબરે કોંગ્રેસ, સમગ્ર INDIA ગઠબંધન અને યુવાનો મોટી સંખ્યામાં માર્ગો પર ઊતરશે. તંત્ર ભલે 10,000, 20,000 કે 40,000 પોલીસકર્મીઓ અને ભાજપ-RSSના લોકોને બોલાવી લે, અમે ડરવાના નથી કે પાછળ હટવાના નથી. સોમવારે મુખ્ય ન્યાયાધીશને મળીને રજૂઆત કરાશે કે દિલ્હીમાં બંધારણ અને લોકતંત્ર કચડાઈ રહ્યું છે ત્યારે કાયદાના રક્ષકો ચૂપ બેસી ન શકે.” તેમણે એમ પણ કહ્યું કે તેઓ વિરોધીઓને સારી રીતે ઓળખે છે અને હવે તેમની પકડ ઢીલી પડી રહી છે.
ઉલ્લેખનીય છે કે શનિવારે કોંગ્રેસે આંદોલનથી અંતર જાળવ્યું હતું. કોંગ્રેસ બુધવારથી શુક્રવાર સુધી દિલ્હીમાં આંદોલન કરી રહી હતી. જોકે, શનિવારે જ્યારે CJPએ જંતર-મંતર પર વિરોધ કરવાનો પ્રયાસ કર્યો અને સમગ્ર દિલ્હી છાવણીમાં ફેરવાઈ ગયું, ત્યારે કોંગ્રેસે પ્રત્યક્ષ રીતે આંદોલનથી અંતર રાખ્યું હતું. તેમ છતાં પક્ષે નિવેદનો દ્વારા ભાજપ અને કેન્દ્ર સરકાર પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. તે દિવસે વિપક્ષી નેતા ચેન્નાઈમાં આયોજિત વિદ્યાર્થીઓના એક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા હતા.