કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે શિકાગો યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ભારત-ઈઝરાયલ સંબંધો, ગાઝા સંઘર્ષ અને ભારતની ચૂંટણી પ્રક્રિયા અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા.
રાહુલ ગાંધીએ કહ્યું કે ભારતના ઈઝરાયલ સાથે સારા સંબંધો છે અને ભારત તેની પાસેથી હથિયારો ખરીદે છે, જે સારી બાબત છે. જોકે તેમણે ઓક્ટોબરમાં બનેલી ઘટનાની નિંદા કરી હતી અને તેને અત્યંત ભયાનક ગણાવી હતી. તેમણે કહ્યું કે આવી ઘટના ક્યારેય બનવી જોઈએ નહીં. સાથે જ તેમણે ગાઝામાં જે કંઈ થઈ રહ્યું છે તેની પણ નિંદા કરી હતી.
ચૂંટણી પ્રક્રિયા અંગે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે વિપક્ષ ચૂંટણીનો બહિષ્કાર નહીં કરે, પરંતુ પ્રક્રિયામાં થતી ગેરરીતિઓનો વિરોધ કરશે. તેમણે કહ્યું કે વિપક્ષ એવું કોઈ પગલું ભરવા માંગતો નથી, જેથી લોકોની નજરમાં ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા પર સવાલ ઊભા થાય અને ભારતીય લોકશાહીની વ્યવસ્થા નબળી પડે. વિપક્સની વ્યૂહનીતિ ચૂંટણી વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓને સામે લાવવાની અને આ મુદ્દાને જનતા સુધી પહોંચાડવાની છે. જ્યાં સુધી લોકોને વ્યવસ્થામાં શું ચાલી રહ્યું છે તે સમજાશે નહીં, ત્યાં સુધી વિપક્ષ આ મુદ્દો ઉઠાવતો રહેશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચની અંદરથી પણ વિપક્ષને માહિતી મળી રહી છે. પંચના વરિષ્ઠ અધિકારીઓ પણ કહી રહ્યા છે કે તેઓ હવે આ રીતે કામ કરી શકે તેમ નથી. તેમણે કહ્યું કે આ એક લાંબી પ્રક્રિયા રહી છે અને તેમને વિશ્વાસ છે કે ચૂંટણી વ્યવસ્થામાં કથિત ગેરરીતિઓ સામે આવશે. વિપક્ષ બિનલોકશાહી ભારતને સ્વીકારવા તૈયાર નથી. આ માત્ર કોંગ્રેસની લડાઈ નથી, પરંતુ દેશના મોટી સંખ્યામાં લોકોની ઇચ્છા છે. વિપક્ષ ઇચ્છે છે કે લોકો કોઈપણ ડર વિના પોતાની વાત રજૂ કરી શકે અને લોકશાહીમાં તેમની આ શક્તિ ફરીથી મજબૂત બને.