કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ મંગળવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠકમાં તેમણે કહ્યું કે, જ્ઞાનેશ કુમારને પદ છોડવું જ પડશે અને તેમનું રાજીનામું વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે લેવડાવશે.
રાહુલ ગાંધીએ આ બેઠકમાં ત્રણ મહત્ત્વના પ્રસ્તાવો રજૂ કર્યા હતા અને ચૂંટણી પ્રક્રિયામાં ગેરરીતિ સામે દેશવ્યાપી આંદોલનની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, જ્યાં સુધી CEC રાજીનામું નહીં આપે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.
રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે, તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને મળવા ગયા ત્યારે તેમણે કહ્યું હતું કે, અમે પણ ઇન્દિરા ગાંધી જેવું જ કામ કરી રહ્યા છીએ. તેમણે વધુમાં જણાવ્યું કે, 'જો તેમને વિશ્વાસ હોય કે અમે સત્તામાં આવીશું, તો તમે પણ મારા પર ભરોસો રાખો.' ઇન્ડિયા ગઠબંધનની બેઠક બાદ રામલીલા મેદાનમાં મોટી રેલી યોજવાનો પ્રસ્તાવ પણ તેમણે મૂક્યો હતો.
CWCની બેઠકમાં રજૂ થયેલા ત્રણ પ્રસ્તાવોમાં જ્ઞાનેશ કુમારનું રાજીનામું લેવું, SIR (મતદાર યાદીની વિશેષ સમીક્ષા)ની પ્રક્રિયા તાત્કાલિક રદ કરવી અને વડાપ્રધાન તથા ગૃહમંત્રી આ સમગ્ર વિવાદની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે તેવી માંગ સામેલ છે.
ચૂંટણી પ્રક્રિયા અંગે રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે, હરિયાણા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં વોટની ચોરી થઈ રહી છે. તેમણે કહ્યું કે, આ સમયે લોકોએ તેમની વાત ન સમજી, પરંતુ હવે બે વર્ષમાં પરિસ્થિતિ બદલાઈ છે કારણ કે તેમણે પુરાવાઓ સાથે રજૂઆત કરી છે. તેમણે દાવો કર્યો કે, હાલ બે પ્રકારે મેચ ફિક્સિંગ થઈ રહ્યું છે — એક EVMનું અને બીજું મતદાર યાદીમાં જાણીજોઈને ગરબડ કરવામાં આવી રહી છે.
વર્ષ 2019 અને 2024માં બનેલા કાયદાઓ પર સવાલ ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે, તે કાયદાઓ સંપૂર્ણપણે ખોટા છે. તેમણે યાદ કરાવ્યું કે, 2023માં CECને લગતો કાયદો લાવવામાં આવ્યો ત્યારે લગભગ 100 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, આનો અર્થ એ છે કે સરકારને પહેલેથી ખ્યાલ હતો કે તેઓ 2024માં જીતી રહ્યા નથી. તેમણે ઉમેર્યું કે, ધર્મેન્દ્ર પ્રધાને 25 જુલાઈએ રાજીનામું આપ્યું, જેનાથી સાબિત થાય છે કે સરકાર દબાણમાં છે અને આ દબાણ સતત જાળવી રાખવું પડશે.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના અધ્યક્ષપદે યોજાયેલી આ બેઠકમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ અને જયરામ રમેશ સહિત પક્ષના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા.