સત્ય. સાહસ. સંકલ્પ.

મતદાર યાદી વિવાદ: રાહુલ ગાંધીનો દાવો, PM મોદી પોતે CEC પાસેથી રાજીનામું માંગશે

મતદાર યાદી વિવાદ: રાહુલ ગાંધીનો દાવો, PM મોદી પોતે CEC પાસેથી રાજીનામું માંગશે

નવી દિલ્હી: ચૂંટણી પ્રક્રિયા અને મતદાર યાદીઓમાં કથિત ગોટાળા અંગે દેશમાં રાજકીય વિવાદ વધ્યો છે. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC)ની બેઠક બાદ લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે દાવો કર્યો કે આગામી સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પાસેથી રાજીનામું માંગશે.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું, "મુખ્ય ચૂંટણી કમિશનર સુરક્ષા વિના કામ કરી શકે નહીં. હાલ જ્ઞાનેશ કુમારને વડાપ્રધાન અને ગૃહમંત્રીનું રક્ષણ મળે છે, પણ તેમનું જવું નિશ્ચિત છે. વડાપ્રધાન પોતે તેમની પાસેથી રાજીનામું માંગશે."

તેમણે ઉમેર્યું, "આપણે જનતા સુધી પહોંચી સત્ય સમજાવવું પડશે. આજે દેશમાં એવી સ્થિતિ છે કે 80 ટકા લોકો મત ચોરીને વાજબી માનીને સ્વીકારી રહ્યા છે. આમ ચાલુ રહ્યું તો લોકશાહીનું મૂલ્ય નહીં રહે."

INDIA ગઠબંધનની બેઠકના એક દિવસ પહેલા મળેલી કોંગ્રેસની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. ઠરાવમાં કડક ભાષામાં કહેવાયું કે આ મત ચોરી પીએમ મોદી અને ગૃહમંત્રી દ્વારા કરવામાં આવી છે. જ્યાં સુધી તેઓ રાજીનામું નહીં આપે, ત્યાં સુધી બંધારણ અને લોકશાહીનું રક્ષણ થઈ શકે નહીં.

કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે CEC તાત્કાલિક રાજીનામું આપે. રાજ્યોમાં ચાલી રહેલા મતદાર યાદીના સુધારા તાત્કાલિક રોકવા જોઈએ. યાદીમાંથી દૂર કરાયેલા 13 લાખથી વધુ મતદારોના નામ પુનઃસ્થાપિત કરવા જોઈએ.

કોંગ્રેસના વરિષ્ઠ સાંસદ અને સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે જણાવ્યું કે, "મત ચોરીનો ગંભીર મુદ્દો બુધવારે INDIA ગઠબંધનની બેઠકમાં ઉઠાવાશે. વિપક્ષી નેતાઓ આ મુદ્દે રાષ્ટ્રવ્યાપી આંદોલનનો નિર્ણય લેશે." તેમણે ઉમેર્યું, "અમે લોકશાહી બચાવવા સમાન વિચારધારાવાળા પક્ષોના સમર્થન સાથે જનઆંદોલન શરૂ કરવા માંગીએ છીએ. બેઠકમાં સૂચનો મળશે અને પછી કાર્ય યોજના તૈયાર થશે."