કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને લઈને કેન્દ્ર સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, જ્ઞાનેશ કુમાર, જેઓ પહેલા એક કાર્યરત IAS અધિકારી હતા, તેમનો ઉપયોગ પહેલા ભાજપમાં ભરતી માટે કરવામાં આવ્યો. ત્યારબાદ વડાપ્રધાન અને ગૃહમંત્રીએ તેમને અમ્પાયર બનાવી દીધા અને ભારતીય ચૂંટણીઓમાં 'મેચ-ફિક્સિંગ'ની જવાબદારી તેમને સોંપી દીધી.
રાહુલ ગાંધીનું આ નિવેદન ચૂંટણી પંચને લઈને સામે આવેલા એક અહેવાલ બાદ આવ્યું છે. આ સાથે તેમણે CEC જ્ઞાનેશ કુમાર પર પણ સવાલ ઉઠાવ્યા છે.
આ વિવાદ વચ્ચે વિપક્ષ જ્ઞાનેશ કુમારને હટાવવા માટે ત્રીજી વખત મહાભિયોગ (Impeachment) લાવવાની તૈયારી કરી રહ્યો છે. આ માટે અનેક વિપક્ષી દળોએ હાથ મિલાવ્યા છે. સંસદના પ્રસ્તાવિત વિશેષ સત્ર પહેલાં વિપક્ષ લોકસભા અને રાજ્યસભામાં નોટિસ આપવાની તૈયારીમાં છે.
બીજી તરફ, શનિવારે દિલ્હીમાં નિર્વાચન સદન ખાતે ચૂંટણી પંચની બેઠક યોજાઈ હતી. જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર સાથે બંને ચૂંટણી કમિશનરો સુખબીર સિંહ સંધૂ અને વિવેક જોશી હાજર રહ્યા હતા.
આ ઘટનાક્રમ પર ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પંચની સ્પષ્ટતા બાદ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે. ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે, 'ચૂંટણી પંચે જે સાર્વજનિક નિવેદન આપ્યું છે તેનાથી દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું છે.' તેમણે રાહુલ ગાંધી પર પ્રહાર કરતા કહ્યું કે, 'માત્ર સત્તા મેળવવી જ રાહુલ ગાંધીનું લક્ષ્ય છે, અને કોંગ્રેસ કોઈપણ ભોગે સત્તા હાંસલ કરવા માંગે છે.'
ભાજપના પ્રવક્તાએ વધુમાં જણાવ્યું કે, 'ભારતની સર્વોચ્ચ અદાલતે 27 મે 2026ના રોજ SIRના પક્ષમાં ચુકાદો આપ્યો હતો. ત્રણેય કમિશનરો એક હતા, સુપ્રીમ કોર્ટે પણ ચૂંટણી પંચના પક્ષમાં નિર્ણય આપ્યો અને કમિશનરોની બેઠકમાં પણ સર્વસંમતિ હતી. છતાં કોંગ્રેસે જે રીતે હુમલો કરવાનો પ્રયાસ કર્યો છે, તે કોંગ્રેસ પાર્ટીમાં પરિપક્વતાની કમી દર્શાવે છે.'
તેમણે ઉમેર્યું કે, '2014 પછી કોંગ્રેસે દેશની તમામ બંધારણીય સંસ્થાઓ કે પછી તે સેના હોય, સુપ્રીમ કોર્ટ હોય કે ચૂંટણી પંચ, તમામ પર આ પ્રકારે પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીનો મંત્ર છે કે 'Can't Win, So Let's Spoil the Game' એટલે કે જીતી નથી શકતા, તો ખેલ જ બગાડી દો. પરંતુ દેશની જનતા બધું સમજે છે.'