સત્ય. સાહસ. સંકલ્પ.

રાહુલ ગાંધીએ શિવ-પાર્વતીનો ફોટો શેર કરીને ભાજપ-RSS પર કહ્યું: નફરત છોડો

રાહુલ ગાંધીએ શિવ-પાર્વતીનો ફોટો શેર કરીને ભાજપ-RSS પર કહ્યું: નફરત છોડો

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મંગળવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે ડર, ગુસ્સો અને નફરતે આ સંગઠનોના સમર્થકોના મનમાં એવું જાળું વણી દીધું છે કે તેઓ પ્રેમ અનુભવી શકતા નથી કે વ્યક્ત કરી શકતા નથી. આ પોસ્ટ સાથે તેમણે શિવ અને પાર્વતીની એક તસવીર પણ મૂકી છે.

આ સમગ્ર વિવાદ સોમવારે દિલ્હીમાં યોજાયેલા સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉન્ગિંગ: અ જર્ની ઑફ લવ’ના લોન્ચિંગ કાર્યક્રમ દરમિયાન શરૂ થયો હતો. તેમાં રાહુલ ગાંધીએ પોતાના માતા-પિતાને લગતી એક યાદ વર્ણવી હતી. તેમણે કહ્યું હતું કે જમતી વખતે તેમના પિતા રાજીવ ગાંધી બેસતા અને તેમની ગોદમાં માતા સોનિયા ગાંધી બેસતાં. બાળપણમાં તેમને આ સામાન્ય લાગતું હતું, પરંતુ મિત્રોના ઘરે જઈને જ્યારે તેમણે આવું જોયું નહીં, ત્યારે તેઓ પૂછતા કે તેમનાં માતા-પિતા આમ કેમ નથી બેસતાં.

આ નિવેદન બાદ સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીને ટ્રોલ કરવામાં આવી રહ્યા છે. ટ્રોલ કરનારા યુઝર્સ મીમ્સ બનાવીને પૂછી રહ્યા છે કે પુસ્તક લોન્ચ જેવા જાહેર કાર્યક્રમમાં આવી ખાનગી પારિવારિક વાત કહેવાની શું જરૂર હતી. કેટલાક યુઝર્સે આ નિવેદનને અસહજ બનાવનારું ગણાવ્યું છે.

બીજી તરફ, રાહુલ ગાંધીના સમર્થકોનું કહેવું છે કે આ નિવેદન માતા-પિતા વચ્ચેના પ્રેમ અને આત્મીયતાની બાળપણની યાદ છે અને તેને મજાકનો વિષય ન બનાવવો જોઈએ.

આ મામલે ભાજપના નેતાઓએ પણ પ્રતિક્રિયા આપી છે. આસામના મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ સોનિયા ગાંધીને નિશાન બનાવતાં કહ્યું કે તેમના જીવનના આટલા ખાસ દિવસે પણ તેમને શરમજનક સ્થિતિથી બચાવી શકાયું નહીં. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું કે રાહુલ ગાંધીએ જાહેર મંચ પર પારિવારિક વાતો શેર કરતી વખતે મર્યાદા જાળવવી જોઈએ અને પરિવારના વડીલોનું સન્માન કરવું જોઈએ.

ઉલ્લેખનીય છે કે પુસ્તકના લોન્ચિંગ કાર્યક્રમમાં સોનિયા ગાંધી પોતાના જીવન પરની શોર્ટ ફિલ્મ જોઈને ભાવુક થઈ ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે રાજીવ ગાંધીના અવસાન બાદ તેઓ ભાંગી પડ્યાં હતાં, ત્યારે રાહુલ અને પ્રિયંકાએ માતા-પિતાની જેમ તેમની સંભાળ લીધી હતી.