ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની T20 શ્રેણી 13 સપ્ટેમ્બરથી શરૂ થવાની છે. શ્રેણી શરૂ થવા પહેલા ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનને લઈને ચર્ચા તેજ બની છે. યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને આ શ્રેણીમાં તક મળશે કે નહીં તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે.
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન અજિંક્ય રહાણેનું માનવું છે કે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં વૈભવ સૂર્યવંશીને પડતો મૂકવો જોઈએ અને અનુભવી ખેલાડીઓને તક આપવી જોઈએ. તેમણે પોતાની યુટ્યુબ ચેનલ પર આ અંગે વિચાર રજૂ કર્યા છે.
રહાણેના મતે સંજુ સેમસન, અભિષેક શર્મા અને ઇશાન કિશનને ટોપ 3માં રમાડવા જોઈએ. તેમણે કહ્યું કે T20 વર્લ્ડ કપમાં રમનારા આ ટોચના ત્રણ બેટ્સમેનોએ ટીમ માટે સારું પ્રદર્શન કર્યું છે, તેથી તેમને અફઘાનિસ્તાન સામે પણ તક મળવી જોઈએ. ખાસ કરીને સંજુ સેમસનને અભિષેક શર્મા સાથે ઓપનિંગ કરવી જોઈએ એવી તેમની સલાહ છે.
વૈભવ સૂર્યવંશીએ ઇંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય T20માં અત્યાર સુધી તેણે 6 મેચમાં 32.16ની સરેરાશથી 193 રન બનાવ્યા છે. તેના નામે બે અડધી સદી પણ છે, જેના કારણે ચાહકોમાં તેની લોકપ્રિયતા વધી છે.
રહાણેનું માનવું છે કે વૈભવ સૂર્યવંશીને ભવિષ્યમાં પણ પૂરતી તક મળશે, પરંતુ અત્યારે ટીમે અનુભવી ખેલાડીઓને પ્રાથમિકતા આપવી જોઈએ.
હવે સવાલ એ છે કે ટીમ મેનેજમેન્ટ વૈભવને પહેલી બે મેચમાં બેન્ચ પર બેસાડશે કે નહીં. અહેવાલો મુજબ તેને બેકઅપ ઓપનર તરીકે રાખવામાં આવી શકે છે અને ત્રીજી મેચમાં તક મળી શકે છે.