સત્ય. સાહસ. સંકલ્પ.

રાફેલ ડીલ: 40 અબજ ડૉલર ખર્ચ્યા પછી પણ ટેક્નોલોજી પર ફ્રાન્સનો જ કંટ્રોલ રહેશે

રાફેલ ડીલ: 40 અબજ ડૉલર ખર્ચ્યા પછી પણ ટેક્નોલોજી પર ફ્રાન્સનો જ કંટ્રોલ રહેશે

ભારત 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવા માટે ફ્રાન્સ સાથે 35 થી 40 અબજ ડોલર (અંદાજે રૂ. 3.30 લાખ કરોડ)ની ડીલ કરી રહ્યું છે. આ ડીલ થકી ભારતને સંપૂર્ણ ટેક્નોલોજી મળશે નહીં અને રાફેલનું મુખ્ય કંટ્રોલ સિસ્ટમ ફ્રાન્સ પાસે જ રહેશે.

ફ્રાન્સના અખબાર 'દ ડેલી એન્ટરપ્રાઈઝ'ના અહેવાલ મુજબ, ફ્રાન્સે ટેક્નોલોજી ટ્રાન્સફર અને સંવેદનશીલ પાર્ટ્સ મુદ્દે સ્પષ્ટ ના પાડી દીધી છે. રાફેલ ભારતમાં એસેમ્બલ થશે, પરંતુ તેનું મુખ્ય કંટ્રોલ સિસ્ટમ ફ્રાન્સમાં જ રહેશે.

રાફેલના M88 એન્જિન બનાવતી કંપની 'સફ્રાં'ના CEO ઓલિવિયર એન્ડ્રીસે જણાવ્યું હતું કે ભારતમાં એસેમ્બલી લાઇન લગાવવામાં આવશે, પરંતુ એન્જિનના સૌથી મહત્ત્વપૂર્ણ અને સંવેદનશીલ પાર્ટ્સ ફ્રાન્સ સિવાય ક્યાંય બનશે નહીં. વિમાનની ડિઝાઇન, ક્રિટિકલ કમ્પોનન્ટ્સ અને નિયંત્રણને લગતા તમામ પાસાં ફ્રાન્સ પાસે જ સુરક્ષિત રહેશે.

ડસોલ્ટ અને ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ વચ્ચેના કરાર હેઠળ હૈદરાબાદ પ્લાન્ટમાં સેન્ટ્રલ ફ્યુઝલેજ (વિમાનનું મુખ્ય માળખું), આગળનો, પાછળનો હિસ્સો અને સાઇડ પેનલ્સ બનાવવામાં આવશે. 2028ના નાણાકીય વર્ષથી શરૂ થનારા આ ઉત્પાદનમાં દર મહિને બે ફ્યુઝલેજ તૈયાર કરવાનું આયોજન છે. જોકે, આ તમામ માળખાં ડસોલ્ટના બ્લૂપ્રિન્ટ પર જ બનશે. ટાટા કે ભારત પાસે આ વિમાનને વેચવા કે તેમાં પોતાના સ્તરે કોઈ મોટા ફેરફાર કરવાનો અધિકાર રહેશે નહીં.

ફ્રાન્સ રાફેલનો 'સોર્સ કોડ' પણ ભારતને આપવા તૈયાર નથી. ભારતીય વાયુસેના પાસે પોતાની મિસાઇલોને આની સાથે ઇન્ટિગ્રેટ કરવાનો અધિકાર હશે, પરંતુ વિમાનના મુખ્ય લડાકુ સિસ્ટમમાં ભારત કોઈ છેડછાડ કરી શકશે નહીં. એન્જિનના મામલે પણ 'સફ્રાં' માત્ર સામાન્ય ઘસાતા પાર્ટ્સ બદલવા કે રિપેરિંગ માટે જ સેન્ટર ચલાવશે, જ્યારે તમામ મહત્ત્વના સ્પેરપાર્ટ્સ ફ્રાન્સથી જ બનીને આવશે.

બીજી તરફ, ભારતના પાંચમી પેઢીના લડાકુ વિમાન પ્રોજેક્ટ 'AMCA'ના એન્જિન માટે 'સફ્રાં' સંપૂર્ણ ટેક્નોલોજી ટ્રાન્સફર કરવા અને ડીઆરડીઓ (DRDO) સાથે મળીને કામ કરવા તથા ભારતના આઈપીઆર (IPR) અધિકારોની વાત કરી ચૂકી છે. આમ, કરોડો ડોલર ખર્ચવા છતાં રાફેલ ડીલમાં ભારતને સંપૂર્ણ ટેક્નોલોજી કે આત્મનિર્ભરતા મળવાના મામલે હાથ ખાલી જ રહેવાના છે.