અંબાણી પરિવારની નાની દીકરી રાધિકા મર્ચન્ટ દરેક ઈવેન્ટમાં પોતાની સાદગીથી ચાહકોનું ધ્યાન ખેંચે છે. તાજેતરમાં સ્વદેશના એક વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે રાધિકાએ પહેરેલો કોર્સેટ ડ્રેસ ચર્ચામાં છે. આ આઉટફિટ ફેશન ડિઝાઇનર મયૂર ગિરોત્રાએ તૈયાર કર્યું છે. ડ્રેસ પર સ્કલ્પચર સિલ્હુટ, ઝીણવટભર્યું કામ અને આધુનિક ઇનોવેશન જોવા મળે છે.
રાધિકાના ડ્રેસની ખાસિયત કલમકારી છે. કલમકારી ફારસી શબ્દ ‘કલમ’ પરથી આવ્યો છે અને ટેક્સ્ટાઇલની એક પરંપરાગત કળા છે. આ કળામાં ઝીણવટભરી ડિઝાઇન અને પૌરાણિક કથાઓ હાથથી દોરવામાં આવે છે. આંધ્રપ્રદેશના ઐતિહાસિક મંદિર શહેર શ્રીકાલાહસ્તીથી શરૂ થયેલી આ પરંપરામાં વાંસની પેન તેમજ વૃક્ષો અને ખનિજોમાંથી મળતા પ્રાકૃતિક રંગોનો ઉપયોગ થાય છે. દરેક રંગ સાવધાનીપૂર્વક લગાવવામાં આવે છે, જેથી રેખાઓ અને વિગતો સ્પષ્ટ દેખાય.
મયૂર ગિરોત્રા અને સ્વદેશે રાધિકાની આધુનિક ભારતીય સ્કર્ટને નવા અંદાજમાં રજૂ કરી છે. સ્કર્ટ પર ‘કૃષ્ણ લીલા’ અને ‘કલ્પવૃક્ષ’ હાથથી દોરવામાં આવ્યા છે. મોર, પવિત્ર ગાય અને કમળના ફૂલની ડિઝાઇન કલમકારીની પ્રતીકાત્મક કળા દર્શાવે છે.
આખા ડ્રેસ પર હાથનું કામ કરવામાં આવ્યું છે, જેમાં જરદોશી, પિત્તળ, ડબકા અને એપ્લિકનું કામ સામેલ છે. રંગ, ટેક્સચર અને ત્રિપરિમાણીય કલાકારીને કારણે ડ્રેસને અલગ રૂપ મળે છે. ડ્રેસ સાથેનો દુપટ્ટો પણ પરંપરાગત ભારતીય કલાકારી અને આધુનિક ગ્લોબલ ડિઝાઇનનું મિશ્રણ દર્શાવે છે.
આજકાલ સાડી અને લહેંગા સાથે કોર્સેટ બ્લાઉઝનું ફેશન ચાલી રહ્યું છે. રાધિકા ઉપરાંત બોલિવૂડ સેલિબ્રિટીઓ પણ ભવ્ય કોર્સેટ બ્લાઉઝ પહેરતી જોવા મળે છે. આલિયા ભટ્ટે અંબાણી પરિવારની ગણપતિ પૂજામાં કોર્સેટ સાથે સાડી પહેરી હતી. તહેવારોની સીઝનમાં સાડી કે લહેંગામાં સ્ટાઇલિશ ટચ ઉમેરવા માંગતા લોકો કોર્સેટ અજમાવી શકે છે.
નોંધનીય છે કે મુકેશ અંબાણી દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે.