મુંબઈના એન્ટિલિયા નિવાસસ્થાને આ વર્ષે પણ ગણેશ ચતુર્થીની ઉજવણી ધામધૂમથી થઈ. અંબાણી પરિવારે પરંપરા મુજબ 'એન્ટિલિયા ચા રાજા'નું ભવ્ય સ્વાગત કર્યું. ગલગોટાના ફૂલોથી શણગારાયેલા રથમાં બાપ્પાનું આગમન થતાં જ આખું વાતાવરણ ભક્તિમય બની ગયું.
આ પ્રસંગે અંબાણી પરિવારના સભ્યો ઉપરાંત બોલિવૂડના અનેક સેલિબ્રિટીઝે હાજરી આપી. સલમાન ખાન, કેટરિના કૈફ-વિકી કૌશલ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, રણવીર સિંહ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, કાજોલ, સુનીલ શેટ્ટી, રિતેશ દેશમુખ-જેનેલિયા, જાહ્નવી કપૂર, કરીના કપૂર-સૈફ અલી ખાન, માધુરી દીક્ષિત, રેખા, કરિશ્મા કપૂર, ગૌરી ખાન સહિતના સિતારાઓએ બાપ્પાના દર્શન કર્યા.
ઘરની નાની વહુ રાધિકા મર્ચન્ટ અંબાણીએ ખાસ ગણેશ વંદના રજૂ કરી. તેઓ પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે. તેમણે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા સાથે મળીને ખાસ આઉટફિટ તૈયાર કરાવ્યો હતો. ઘેરા જ્વેલ પિંક રંગના હાથથી વણેલા કાંજીવરમ સિલ્ક પર એન્ટિક ગોલ્ડ મારોડી અને જરદોષીનું ઝિણવટભર્યું કામ કરવામાં આવ્યું હતું. ડાન્સ મુવમેન્ટમાં સહજતા રહે તે માટે તેને પ્રી-સ્ટિચ્ડ સ્કર્ટ સિલ્વેટમાં બનાવવામાં આવ્યો હતો.
રાધિકાએ ભત્રીજા સાથે મળીને બાપ્પાનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નીતા અંબાણી, મુકેશ અંબાણી અને અનંત અંબાણી પણ હાજર રહ્યા હતા. નીતા અંબાણીએ ઘેરા લાલ રંગનો પરંપરાગત પોશાક અને ભવ્ય ઘરેણાં પહેર્યા હતા, જ્યારે રાધિકાએ ચમકદાર નારંગી રંગનો ભરતકામ કરેલો એથનિક આઉટફિટ પસંદ કર્યો હતો.