દ્વાપર યુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણ તરીકે અવતાર લીધો હતો. કૃષ્ણ અને રાધાની પ્રેમકથા સૌ કોઈ જાણે છે. એવું મનાય છે કે કૃષ્ણ વિના રાધા અધૂરી છે અને રાધા વિના કૃષ્ણ. જ્યાં કૃષ્ણનું નામ લેવાય છે ત્યાં રાધાજીનું સ્મરણ પણ થાય છે.
કૃષ્ણે બાળપણ ગોકુળમાં વિતાવ્યું હતું અને વ્રજ પ્રદેશનો દરેક ખૂણો આજે પણ તેમની પ્રેમગાથા જીવંત રાખે છે. એવું કહેવાય છે કે ગાઢ પ્રેમ હોવા છતાં તેઓ લગ્નબંધનમાં બંધાયા ન હતા. જોકે, ગર્ગ સંહિતા અને કેટલીક પૌરાણિક માન્યતાઓમાં કૃષ્ણ અને રાધાના લગ્નનો ઉલ્લેખ મળે છે. વ્રજમાં આવેલું 'ભંડીરવન' આ વાતનો પુરાવો મનાય છે કે અહીં રાધા-કૃષ્ણના લગ્ન થયા હતા.
ભંડીરવનમાં એક અનોખું મંદિર આવેલું છે, જે મથુરાથી લગભગ 30 કિલોમીટર દૂર 'માંટ' તાલુકામાં સ્થિત છે. અહીં કૃષ્ણ અને રાધાની મૂર્તિઓ સ્થાપિત છે. આ મૂર્તિની વિશેષતા એ છે કે તેમાં કૃષ્ણના હાથમાં વાંસળી નથી. તેના બદલે કૃષ્ણ અને રાધા બંને વર-કન્યાના વેશમાં છે અને ભગવાન બ્રહ્મા તેમને આશીર્વાદ આપતા દર્શાવવામાં આવ્યા છે.
રાધા અને કૃષ્ણના લગ્નનો ઉલ્લેખ 'બ્રહ્મવૈવર્ત પુરાણ' અને 'ગર્ગ સંહિતા'માં મળે છે. આ ગ્રંથો અનુસાર, સ્વયં જગદગુરુ બ્રહ્માએ તેમના લગ્ન સંપન્ન કરાવ્યા હતા.
લોકવાયકા મુજબ, જ્યારે કૃષ્ણ નાના હતા ત્યારે નંદ બાબા તેમને ગાયો ચરાવવા લઈ ગયા હતા. ગાયો ચરતી હતી ત્યારે નંદ બાબા થાકીને એક ઝાડ નીચે સૂઈ ગયા. થોડા સમય પછી જ્યારે તેઓ જાગ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો અને ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હતો. નંદ બાબા ગભરાઈ ગયા. તેમની એક ગાય પણ ખોવાઈ ગઈ હતી.
તે જ સમયે તેમને દૂર ક્યાંક પ્રકાશ દેખાયો. એક ગોપી તેમની તરફ આવી રહી હતી. તે ગોપી બીજું કોઈ નહીં પણ સ્વયં રાધા હતાં. નંદ બાબા રાધાને ઓળખતા હતા, તેથી તેમણે નાના કાન્હાને તેમને સોંપ્યા અને યશોદા પાસે સુરક્ષિત રીતે પહોંચાડવા કહ્યું. ત્યારબાદ નંદ બાબા પોતાની ગાયો શોધવા લાગ્યા.
બીજી તરફ રાધારાની કનૈયાનો હાથ પકડીને જઈ રહ્યા હતા, પરંતુ તેઓ ગોકુળ જવાના બદલે ચાલતા-ચાલતા ભાંડિરવન પહોંચી ગયા. અહીં તેઓ એકબીજામાં એટલા ખોવાઈ ગયા કે કઈ ધ્યાન જ ન રહ્યું. થોડી જ વારમાં કૃષ્ણ રાધાની સમક્ષ તેમના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા અને તેમના પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કર્યો. રાધા પણ પોતાના દિવ્ય સ્વરૂપમાં પ્રગટ થયા.
રાધાજી શ્રીકૃષ્ણને પ્રેમ કરતા હતા, છતાં તેમને ગુમાવવાનો ભય હતો. થોડી જ વારમાં ભગવાન બ્રહ્મા ત્યાં પ્રગટ થયા. તેમણે કહ્યું કે તમારા લગ્નનો શુભ સમય આવી ગયો છે. આમ પવિત્ર મંત્રોનો ઉચ્ચાર કરીને પવિત્ર અગ્નિની સાક્ષીએ રાધા અને કૃષ્ણ વચ્ચે 'ગાંધર્વ વિવાહ' સંપન્ન થયા. લગ્ન બાદ બ્રહ્માજી ત્યાંથી વિદાય થયા અને કૃષ્ણ ફરીથી પોતાના બાળ-સ્વરૂપમાં આવી ગયા. અહીં મંદિરમાં આજે પણ રાધારાની માંગમાં સિંદૂર ધારણ કરેલું જોવા મળે છે.