સત્ય. સાહસ. સંકલ્પ.

રચિન રવિન્દ્રને પ્રમોશનલ શૂટ દરમિયાન ખભાની ઈજા, ભારત સામેની T20I શ્રેણી પર સવાલ

રચિન રવિન્દ્રને પ્રમોશનલ શૂટ દરમિયાન ખભાની ઈજા, ભારત સામેની T20I શ્રેણી પર સવાલ

ઓકલેન્ડ: ભારત સામેની પાંચ મેચોની T20I શ્રેણી પહેલા ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર 16 સપ્ટેમ્બરે ઓકલેન્ડમાં એક પ્રમોશનલ શૂટ દરમિયાન કેચ પકડવા ડાઈવ મારતા તેનો જમણો ખભો ડિસલોકેટ થઈ ગયો હતો.

ઘટનાના તરત બાદ રચિનને મેડિકલ સ્પેશિયાલિસ્ટ્સ પાસે તપાસ માટે લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ મોટી સ્ટ્રક્ચરલ ડેમેજ મળી નથી, જે રાહતની વાત છે. જોકે, તેની આગામી મેચોમાં રમવા અંગે શંકા યથાવત્ છે.

ન્યુઝીલેન્ડના પર્ફોર્મન્સ મેનેજર માઈક સેન્ડલે આ ઘટનાને ફ્રીક એક્સિડન્ટ ગણાવી હતી અને કહ્યું કે ટીમ મેનેજમેન્ટ રચિનની સંપૂર્ણ રિકવરી અને જલદી મેદાન પર પાછા ફરવા પર ધ્યાન આપી રહી છે. હેડ કોચ રોબ વૉલ્ટરે પણ ખેલાડીની ફિટનેસ અંગે સાવચેતીપૂર્વક સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું કે આગામી છ મહિનામાં ન્યુઝીલેન્ડનો ટેસ્ટ કાર્યક્રમ વ્યસ્ત છે, તેથી રચિનને ઉતાવળમાં મેદાન પર ઉતારવામાં આવશે નહીં.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 22 ઓક્ટોબરથી શરૂ થતી પાંચ T20I મેચો ક્રાઇસ્ટચર્ચ, વેલિંગ્ટન, ઓકલેન્ડ અને હેમિલ્ટનના મેદાનો પર રમાવાની છે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ આગામી સપ્તાહની શરૂઆતમાં ટીમની જાહેરાત કરવાની છે, ત્યારે પસંદગીકારોની નજર રચિનની ફિટનેસ રિપોર્ટ પર ટકેલી છે. જો તે સમયસર ફિટ ન થાય તો ટીમનું સંયોજન જાળવવું મેનેજમેન્ટ માટે પડકાર બનશે.