સાઉથ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડા ઓસ્ટ્રેલિયા સામેની બીજી ટેસ્ટમાં પ્લેઇંગ-11માં પરત ફરી શકે છે. ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું કે રબાડાની ફિટનેસ સુધરી રહી છે અને તે 'સારો દેખાઈ રહ્યો છે'.
ત્રણ મેચની સિરીઝની બીજી ટેસ્ટ 18થી 22 ઓક્ટોબર દરમિયાન ગકેબેરહાના સેન્ટ જ્યોર્જ્સ પાર્કમાં રમાશે. ડરબનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાને 214 રનથી હાર મળી હતી.
રબાડા સાઉથ આફ્રિકા માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ અને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર છે. પ્રથમ ટેસ્ટમાં તે ટીમ સાથે હતો, પરંતુ ઈજાને કારણે તેને પ્લેઇંગ-11માં સ્થાન મળ્યું નહોતું.
બાવુમાએ જણાવ્યું, 'પ્રથમ ટેસ્ટમાં રબાડાને ન રમાડવાનો નિર્ણય સાવચેતીના ભાગરૂપે લેવામાં આવ્યો હતો. તેને ફિટનેસ સુધારવા માટે થોડા વધારાના દિવસો આપ્યા હતા. હવે તેને વધારાના દિવસો મળી ગયા છે. અમે જોઈશું કે તે કેવી રીતે આગળ વધે છે. પણ KG ખૂબ સારો છે.'
રબાડાએ છેલ્લે 31 મેના રોજ અમદાવાદમાં IPL 2026ની ફાઇનલ રમી હતી. સાઉથ આફ્રિકા માટે તેણે છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે ઓક્ટોબર 2025માં પાકિસ્તાન સામે રાવલપિંડીમાં રમી હતી. લોર્ડ્સમાં રમાયેલી 2025 WTC ફાઇનલમાં તેણે ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ લીધી હતી.
જો રબાડા પરત ફરે તો પ્લેઇંગ-11માં કોની જગ્યા લેશે તે જોવું રસપ્રદ રહેશે. પ્રથમ ટેસ્ટમાં સાઉથ આફ્રિકાએ માર્કો યાન્સેન અને એનરિચ નોર્કિયાને રમાડ્યા હતા, જ્યારે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર વિયાન મુલ્ડર પણ ટીમમાં હતો. મુલ્ડર અને યાન્સેન બેટિંગમાં પણ યોગદાન આપી શકે છે, તેથી નોર્કિયાને બહાર કરવાની શક્યતા વધુ છે. રબાડાને સિમોન હાર્મરની જગ્યાએ પણ રમાડી શકાય, જેણે પ્રથમ ટેસ્ટની બંને ઇનિંગ્સમાં એક-એક વિકેટ લીધી હતી.