અમદાવાદમાં પીવીઆર આઈનોક્સ (PVR INOX) થિયેટરમાં મૂવી ટિકિટ અને ફૂડ કાઉન્ટર પર રોકડ સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવતાં વિવાદ ઊભો થયો છે. આ મામલો હવે કાનૂની લડત સુધી પહોંચ્યો છે. અમદાવાદના એડવોકેટ ઉત્કર્ષ દવેએ PVR INOX લિમિટેડને લીગલ નોટિસ પાઠવી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 13 સપ્ટેમ્બરના રોજ ઉત્કર્ષ દવે અમદાવાદના પેલેડિયમ મોલ સ્થિત સિનેમા કોમ્પ્લેક્સમાં ગયા હતા. ત્યારે કાઉન્ટર પર તેમને માત્ર UPI થી જ ચુકવણી કરવા દબાણ કરવામાં આવ્યું હતું. તેમણે મલ્ટિપ્લેક્સ ચેઇનની આ “ઓન્લી કેશલેસ” નીતિ સામે વાંધો ઉઠાવીને કાનૂની સ્પષ્ટતા માંગી છે.
નોટિસ અનુસાર, જ્યારે ઉત્કર્ષ દવે ફૂડ કાઉન્ટર પર પહોંચ્યા ત્યારે સ્ટાફે રોકડ લેવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી અને જણાવ્યું હતું કે અહીં માત્ર UPI થી જ પેમેન્ટ સ્વીકારવામાં આવે છે. વકીલે સવાલ ઉઠાવ્યો છે કે શું PVR INOX દ્વારા કાઉન્ટર પર આવી કોઈ નોટિસ સ્પષ્ટપણે દર્શાવવામાં આવી હતી? ગ્રાહક છેક કાઉન્ટર પર પહોંચીને રોકડ આપે ત્યારે જ તેને આવી પોલિસીની જાણ થાય તે વ્યાજબી નથી. તેમણે સ્ટાફને રોકડ ન સ્વીકારવા માટે આપવામાં આવેલા લેખિત આદેશોની નકલ પણ માંગી છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એક્ટ, 1934ની કલમ 26(1)નો હવાલો આપતાં તેમણે દલીલ કરી છે કે RBI દ્વારા જારી કરાયેલી ચલણી નોટો ‘લીગલ ટેન્ડર’ છે. ગ્રાહકો સાથે સીધો વ્યવહાર કરતાં વ્યવસાયમાં રોકડ લેવાની સંપૂર્ણ ના પાડવી એ પારદર્શિતા અને ગ્રાહક સુરક્ષા કાયદાના નિયમો સામે ગંભીર સવાલો ઊભા કરે છે.
કાયદા નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, RBIની કરન્સી લીગલ ટેન્ડર છે, પરંતુ કોઈ પણ પ્રાઇવેટ બિઝનેસ નિયમોના દાયરામાં રહીને પોતાના માલ કે સર્વિસના નિયમો નક્કી કરવા માટે સ્વતંત્ર છે. ઈ-કોમર્સ, એપ-બેઝ્ડ સેવાઓ કે ઓટોમેટેડ સિસ્ટમ્સમાં ડિજિટલ પેમેન્ટ પર નિર્ભર રહેવું સામાન્ય બાબત છે. કોઈ ફિઝિકલ આઉટલેટ પણ કેશલેસ પોલિસી અપનાવી શકે છે, પરંતુ શરત એ છે કે તેની સ્પષ્ટ અને અગાઉથી જાણ ગ્રાહકને હોવી જોઈએ.
કાનૂની નોટિસમાં એવા સામાન્ય લોકો અંગે પણ ચિંતા વ્યક્ત કરાઈ છે જેમની પાસે સ્માર્ટફોન નથી, UPIની સુવિધા નથી અથવા ઇન્ટરનેટ કનેક્ટિવિટીની સમસ્યા હોય. શું આવા ગ્રાહકો કાયદેસર ચલણ આપવા તૈયાર હોવા છતાં તેમને સેવાઓથી વંચિત રાખી શકાય?
નોટિસમાં PVR INOXને જવાબ આપવા માટે 7 દિવસની મુદ્દત આપવામાં આવી છે અને ચેતવણી અપાઈ છે કે જો સંતોષકારક ખુલાસો નહીં મળે તો ગ્રાહક ફોરમ (Consumer Commission) અને સક્ષમ સત્તામંડળો સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવશે.