નવી દિલ્હી: બ્રિક્સ બિઝનેસ ફોરમ 2026ને સંબોધતા રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને G7 દેશો પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં વિશ્વના કુલ GDPમાં બ્રિક્સ દેશોનો હિસ્સો 40 ટકાથી વધુ રહ્યો છે, જ્યારે G7નો હિસ્સો માત્ર 29 ટકા છે.
પુતિને G7ને 'ગ્રેટ-7' કહેવા પર પણ સવાલ ઉઠાવ્યો. તેમણે કહ્યું, "મને ખબર નથી કે તેઓ પોતાને 'ગ્રેટ-7' કેમ કહે છે." તેમણે દાવો કર્યો કે છેલ્લા પાંચ વર્ષના વૈશ્વિક આર્થિક વિકાસમાં અડધાથી વધુ યોગદાન બ્રિક્સ દેશોનું છે, જ્યારે G7નો ફાળો માત્ર 18 ટકા રહ્યો છે.
પુતિને કહ્યું કે બ્રિક્સ દેશોમાં વિશ્વની 50 ટકાથી વધુ વસતી રહે છે, જેના કારણે તેમની પાસે મોટા અને ગતિશીલ સ્થાનિક બજારો છે. આ બજારો આર્થિક વિકાસને વેગ આપે છે. તેમણે ઉમેર્યું કે 20મી સદીના ઉત્તરાર્ધમાં આર્થિક વિકાસમાં આગેવાન દેશોનું સ્થાન હવે નવા ગ્રોથ એન્જિન્સ લઈ રહ્યા છે.
પુતિને સ્વીકાર્યું કે જૂના પશ્ચિમી દેશો પાસે હજુ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજી અને વિજ્ઞાનનો મોટો આધાર છે. પરંતુ તેમણે કહ્યું કે પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે અને આજે આર્થિક સત્તાનું કેન્દ્ર નવા કેન્દ્રો તરફ વળી રહ્યું છે. તેમના આ નિવેદનને ત્યાં હાજર લોકોએ તાળીઓથી વધાવી લીધું હતું.