બ્રિક્સ સમિટ 2026માં ભાગ લેવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન શુક્રવારે સવારે દિલ્હી પહોંચ્યા છે. તેમનું વિમાન પાલમ એરફોર્સ સ્ટેશન પર ઉતર્યું, જ્યાં વિદેશ રાજ્ય મંત્રી કીર્તિ વર્ધન સિંહે તેમનું સ્વાગત કર્યું હતું.
એરપોર્ટ પરથી પુતિનનો કાફલો સીધો ITC મૌર્યા હોટલ તરફ રવાના થયો, જ્યાં તેમનો રોકાણનો કાર્યક્રમ છે. તેમની સુરક્ષા માટે દિલ્હીમાં ચાર સ્તરીય બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સૌથી અંદરની લેયરમાં તેમની ક્લોઝ પ્રોટેક્શન ટીમ (CPT), ત્યારબાદ દિલ્હી પોલીસના વરિષ્ઠ અધિકારીઓ, ત્રીજા સ્તરે કમાન્ડો અને અર્ધલશ્કરી દળોના જવાનો અને સૌથી બહારના ભાગમાં સ્થાનિક પોલીસ તૈનાત છે. રશિયાની પોતાની સુરક્ષા ટીમ પણ દિલ્હી પહોંચી ગઈ છે અને ભારતીય એજન્સીઓ સાથે સંકલન કરી રહી છે.
ભારત આ વર્ષે બ્રિક્સની અધ્યક્ષતા કરી રહ્યું છે. નવી દિલ્હીના 'ભારત મંડપમ' ખાતે 12 અને 13 સપ્ટેમ્બરે શિખર સંમેલન યોજાવાનું છે. આ મુલાકાત દરમિયાન પુતિન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, વેપાર, આર્થિક સહયોગ અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા નવ મહિનામાં પુતિનની આ બીજી ભારત મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના વ્યૂહાત્મક સંબંધો દર્શાવે છે.