ભાજપના વરિષ્ઠ નેતા અને રાજ્યના મંત્રી પરસોત્તમ સોલંકી મુંબઈમાં પગની સારવાર કરાવીને ભાવનગર પાછા ફર્યા છે. શુક્રવારે 23 ઓક્ટોબરની રાત્રે તેમણે ભાવનગરમાં પોતાના સમર્થકો અને સ્થાનિક લોકો સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત દરમિયાન તેમણે પોતાની તબિયત અંગે ફેલાયેલી અફવાઓ પર પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે, 'આ સિંહ સિંહ જ હોય છે. 30 વર્ષ પહેલાં જે પરસોત્તમ સોલંકી હતો, એ આજે પણ એવો જ છે.'
મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તેમના ડાબા પગમાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી, જેના કારણે પગની ટચલી આંગળી કાપવી પડી હતી. આ સારવાર માટે તેઓ મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આશરે એક મહિનો દાખલ રહ્યા હતા.
સોલંકીએ કહ્યું કે, 'તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાથી હું સહીસલામત ભાવનગર પાછો આવ્યો છું.' તેમણે વધુમાં જણાવ્યું કે, આજે અહીં એકઠા થવાનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈને એમ ન લાગે કે પરસોત્તમભાઈ બીમાર છે. 'એટલે કોઈએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. આ પરસોત્તમ સોલંકીની તમને જબાન છે અને જે કામ કરવાના છે એ કરીશ. કોઈ કંઈ કહેતું હોય તો ભૂલી જજો, એનાથી કોઈ ફરક પડવાનો નથી.'
મંત્રીના આ નિવેદનથી તેમના સમર્થકો અને કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. આ પ્રતિક્રિયાથી તેમની તબિયત અંગે ચાલતી ચર્ચાઓ પર પણ પૂર્ણવિરામ મુકાયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોળી સમાજ સૌથી મોટા અને રાજકીય રીતે નિર્ણાયક સમુદાયોમાંનો એક ગણાય છે. રાજ્યની કુલ વસ્તીમાં આશરે 20થી 24 ટકા હિસ્સો ધરાવતો આ સમાજ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વસે છે. મુખ્યત્વે તળપદા કોળી, ચુવાળિયા કોળી, ઘેડિયા કોળી અને ખાંત કોળી જેવા જૂથોમાં વહેંચાયેલા આ સમાજની રાજકીય ભાગીદારી ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતના પક્ષો માટે ચૂંટણી ગણિત બદલવા સક્ષમ માનવામાં આવે છે.
અગાઉ 5 જુલાઈ, 2026ના રોજ અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રવીણ કોળીના એક નિવેદન ચર્ચામાં આવ્યું હતું, જેમાં તેમણે 2027ની ચૂંટણીમાં પરસોત્તમ સોલંકીના પુત્ર દિવ્યેશ સોલંકીને ટિકિટ આપવાની માગ કરી હતી.