પંજાબના પટિયાલા-સંગરુર માર્ગ પર નહેર પર બનેલો લોખંડનો પુલ ગુરુવારે સવારે અચાનક તૂટી પડ્યો હતો. તે સમયે પુલ પરથી બે ટ્રક પસાર થઈ રહી હતી, જે પુલ તૂટતાં નહેરમાં ખાબકી હતી અને તેમાં આગ લાગી હતી.
ઘટનાની જાણ થતાં જ વહીવટી તંત્રની ટીમો અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું. બંને ટ્રક ડ્રાઈવરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
પુલ તૂટ્યા બાદ ટ્રકો નહેરમાં લટકી ગઈ હતી અને તેમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. ફાયર વિભાગની ગાડીઓએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તૂટેલા પુલનો કાટમાળ નહેરમાં પડતાં પાણીના પ્રવાહમાં અડચણ સર્જાઈ હતી, જેને દૂર કરવા માટે તંત્ર યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.
સુરક્ષાના કારણોસર વહીવટી તંત્રએ પુલની બંને તરફ બેરિકેડ લગાવીને આ માર્ગ પર વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ કરી દીધી છે. મુસાફરોની સુવિધા માટે વાહનવ્યવહારને બીજા પુલ પરથી પસાર કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પુલ અને નેશનલ હાઈવેનું નિર્માણ વર્ષ 2016ની આસપાસ કરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે. સ્થાનિક સ્તરે અગાઉ પણ આ પુલમાં તિરાડો પડી હોવાની ફરિયાદો સામે આવી હતી. હવે પુલ અચાનક તૂટી પડતાં તેના બાંધકામ અને મજબૂતી પર ગંભીર સવાલો ઉઠ્યા છે. દુર્ઘટના સમયે પુલ પરથી પસાર થઈ રહેલી ટ્રકો ઓવરલોડ હોવાની પણ ચર્ચા છે. તંત્રએ આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.