સત્ય. સાહસ. સંકલ્પ.

પંજાબમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ઝટકો, ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપ સિંહનું રાજીનામું

પંજાબમાં આમ આદમી પાર્ટીને ત્રીજો ઝટકો, ધારાસભ્ય કુંવર વિજય પ્રતાપ સિંહનું રાજીનામું

પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) માટે સંકટ વધુ ઘેરું બન્યું છે. અમૃતસર નોર્થ બેઠકના ધારાસભ્ય અને પૂર્વ IPS અધિકારી કુંવર વિજય પ્રતાપ સિંહે પોતાનું વિધાનસભા સભ્યપદ છોડી દીધું છે. તેમણે રાજીનામું વિધાનસભા અધ્યક્ષ કુલતાર સિંહ સંધવાંને મોકલી આપ્યું છે.

આ 24 કલાકમાં AAP ને લાગેલો ત્રીજો મોટો ઝટકો છે. રવિવારે સમાના બેઠકના ધારાસભ્ય ચેતન સિંહ જોડામાજરા અને સનોર બેઠકના ધારાસભ્ય હરમીત સિંહ પઠાનમાજરાએ પણ પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્રણેય નેતા પછીથી ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો.

કુંવર વિજય પ્રતાપ સિંહે ફેસબુક પર પોતાના રાજીનામાના પત્રની નકલ શેર કરીને લખ્યું કે, "મેં પંજાબ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે." અધ્યક્ષને મોકલેલા પત્રમાં તેમણે 1 નવેમ્બર, 2026થી રાજીનામું અમલી ગણવાની રજૂઆત કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે જૂન મહિનામાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓના આરોપસર તેમને AAPમાંથી પાંચ વર્ષ માટે નિલંબિત કરવામાં આવ્યા હતા. તેમણે પોતાની જ સરકાર સામે લાંબા સમયથી અવાજ ઉઠાવ્યો હતો.

શિરોમણી અકાલી દળના નેતા બિક્રમ સિંહ મજીઠિયા સામે પંજાબ વિજિલન્સ બ્યુરોની કાર્યવાહી પર તેમણે સવાલો ઉઠાવ્યા હતા. 2015ના બેઅદબી અને પોલીસ ફાયરિંગ કેસની તપાસ કરનાર સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ના સભ્ય રહી ચૂકેલા કુંવર વિજય પ્રતાપે ન્યાય મળવામાં થઈ રહેલા વિલંબ અંગે ભગવંત માન સરકારની જાહેરમાં ટીકા કરી હતી.

અમૃતસરમાં ઝેરી દારૂના કારણે 20થી વધુ લોકોના મોત બાદ પણ તેમણે પોતાની જ સરકારની કાર્યશૈલી સામે મોરચો ખોલ્યો હતો.

કુંવર વિજય પ્રતાપ સિંહે 2021માં પોલીસ સેવામાંથી સ્વેચ્છિક નિવૃત્તિ (VRS) લઈને આમ આદમી પાર્ટીનો હાથ ઝાલ્યો હતો. 2022ની પંજાબ વિધાનસભા ચૂંટણીમાં તેઓ અમૃતસર નોર્થ બેઠક પરથી મોટા મતભેદથી વિજેતા બન્યા હતા. હવે તેમના રાજીનામા બાદ પંજાબનું રાજકારણ ગરમાયું છે.