સત્ય. સાહસ. સંકલ્પ.

પુણેમાં 21 હજાર પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટ ઊંચી ગણપતિ મૂર્તિ

પુણેમાં 21 હજાર પાણીપુરીની પુરીઓથી બની 13 ફૂટ ઊંચી ગણપતિ મૂર્તિ

પુણેના ફર્ગ્યુસન રોડ પર ગણેશોત્સવ નિમિત્તે આ વર્ષે એક અનોખી ગણેશ મૂર્તિ બનાવવામાં આવી છે. 'ગણેશ ભેળ' નામના મંડળે પાણીપુરીની આશરે 21 હજાર પુરીઓનો ઉપયોગ કરીને 13 ફૂટ ઊંચી અને 11 ફૂટ પહોળી ગણપતિ બાપ્પાની મૂર્તિ તૈયાર કરી છે.

ગણેશોત્સવમાં દર વર્ષે વિવિધ મંડળો સામાજિક સંદેશ, પર્યાવરણ સંરક્ષણ અને કલાત્મકતા દ્વારા કંઈક નવું રજૂ કરવાનો પ્રયાસ કરે છે. આ પરંપરામાં આ મૂર્તિએ વિશેષ આકર્ષણ ઊભું કર્યું છે.

ઢોલ-તાશાના નાદ વચ્ચે ભક્તિભાવ સાથે આ મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મંડળ દ્વારા સળંગ ચોથા વર્ષે આ પ્રકારની અનોખી કલ્પના રજૂ કરવામાં આવી છે. અગાઉ નમકીન અને અમેરિકન પુરીનો ઉપયોગ કરીને ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી હતી.

આ મૂર્તિ કુદરતી અને પર્યાવરણને અનુકૂળ સામગ્રીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હોવાનું જણાવાયું છે. સામાન્ય રીતે મૂર્તિઓ માટી કે પ્લાસ્ટરમાંથી બનાવવામાં આવે છે, પરંતુ અહીં પાણીપુરીની પુરીઓને સર્જનાત્મક રીતે વાપરીને ગણરાયાનું સ્વરૂપ સાકાર કરવામાં આવ્યું છે.

ફર્ગ્યુસન રોડ પરથી પસાર થતા લોકો અને ગણેશભક્તોમાં આ મૂર્તિ જોવા માટે ખાસ ઉત્સુકતા જોવા મળી રહી છે. આ મૂર્તિ ભક્તિ, સર્જનાત્મકતા અને પર્યાવરણપ્રેમનો સમન્વય દર્શાવે છે.