પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI)ના પ્રાંતીય મંત્રી ફઝલ શકૂર ખાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું છે. પાર્ટીના દાવા મુજબ, પેશાવર મોટરવે ટોલ પ્લાઝા પાસે હથિયારધારી અને નકાબધારી લોકોએ તેમની ગાડી રોકી હતી. આ લોકો પાસે AK-47 રાઇફલો હતી.
સોશિયલ મીડિયા પર ફરતા વીડિયોમાં નકાબધારી લોકો હાઇવે પર ગાડીઓ રોકતા અને મંત્રીની ગાડીને ઘેરી લેતા જોવા મળે છે. દાવો છે કે હુમલાખોરોએ ગાડીના એક ટાયર પર ગોળી ચલાવી હતી. ત્યારબાદ તેમણે ફઝલ શકૂર ખાનને હથિયારના જોરે ગાડીની આગળની સીટમાંથી બહાર કાઢીને પોતાની સાથે લઈ ગયા.
બીજી ઘટનામાં મલકંદ વિસ્તારમાં PTIના અન્ય મંત્રી શકીલ અહમદ પર ગોળીબાર કરવામાં આવ્યો છે. આ બંને ઘટનાઓ એવા સમયે બની છે જ્યારે પાર્ટી 27 સપ્ટેમ્બરે ઇસ્લામાબાદમાં ઇમરાન ખાનની મુક્તિની માંગને લઈને માર્ચ કાઢવાની તૈયારી કરી રહી છે. PTIનો આરોપ છે કે સરકાર તેના નેતાઓ અને કાર્યકરો સામે કાર્યવાહી કરીને માર્ચને રોકવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ પાર્ટીએ કહ્યું છે કે આ ઘટનાઓ છતાં માર્ચ રોકવામાં આવશે નહીં.
આ અગાઉ રવિવારે ઇમરાન ખાનની બહેન અલીમા ખાનની લાહોર સ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓ 27 સપ્ટેમ્બરના પ્રદર્શનમાં સામેલ થવાના હતા. શનિવારે અડિયાલા જેલમાં ઇમરાન ખાનની તબીબી તપાસ કરવામાં આવી હતી. જિયો ન્યૂઝના સૂત્રોના હવાલાથી જણાવાયું છે કે PIMSના ડૉક્ટરોની આગેવાનીમાં તેમની તપાસ કરવામાં આવી, જેમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને આંખોની તપાસ સામેલ હતી.
18 ઑગસ્ટે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમને સરકારી મેડિકલ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તબીબી પરીક્ષણ બાદ તેમને ફરી અડિયાલા જેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
73 વર્ષીય ઇમરાન ખાન ઑગસ્ટ 2023થી જેલમાં છે. તેમને સૌપ્રથમ તોશાખાના કેસમાં 3 વર્ષની સજા થયા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ સાયફર, અલ-કાદિર ટ્રસ્ટ અને ઇદ્દત નિકાહ સહિતના અનેક કેસ નોંધાયા. પછી સાયફર અને ઇદ્દત નિકાહ કેસોમાં તેમને અદાલતમાંથી રાહત મળી, અને તોશાખાના કેસમાં પણ એક સજા પર રોક લગાવવામાં આવી. તેમ છતાં અન્ય કેસોને કારણે તેઓ હજુ જેલમાં છે.
ઇમરાન ખાન અને PTIનું કહેવું છે કે 2022માં પ્રધાનમંત્રી પદ પરથી હટાવાયા બાદ તેમની વિરુદ્ધના કેસો રાજકીય કારણોસર નોંધવામાં આવ્યા હતા, જેથી તેમને રાજકારણ અને ચૂંટણીથી દૂર રાખી શકાય. બીજી તરફ, પાકિસ્તાન સરકાર અને તપાસ એજન્સીઓ આ આરોપોને નકારી કાઢે છે અને કહે છે કે આ કેસો કાનૂની પ્રક્રિયા હેઠળ ચાલી રહ્યા છે.