સત્ય. સાહસ. સંકલ્પ.

PTC એડમિશન ચોથા રાઉન્ડમાં ગોટાળો: રાત્રે લિસ્ટ મૂકાયું, તહેવારોમાં વિદ્યાર્થીઓ ગાંધીનગર દોડ્યા

PTC એડમિશન ચોથા રાઉન્ડમાં ગોટાળો: રાત્રે લિસ્ટ મૂકાયું, તહેવારોમાં વિદ્યાર્થીઓ ગાંધીનગર દોડ્યા

ગુજરાતમાં PTC (D.El.Ed) કોલેજોમાં પ્રવેશનો ચોથો રાઉન્ડ ચાલી રહ્યો છે. આ રાઉન્ડમાં પ્રવેશ વિભાગના આયોજનમાં ભારે ગોટાળો સર્જાયો છે. ગાંધીનગરના સેક્ટર 20 ખાતેની સુવિધા કચેરીમાં 6 અને 7 નવેમ્બરે રાજ્યભરના વિદ્યાર્થીઓને રૂબરૂ હાજર રહેવા જણાવાયું હતું.

ઓનલાઇન પોર્ટલ પર 5,000 ઉમેદવારોની સંમતિ માંગવામાં આવી હતી. તેમાંથી બેઠકોની સંખ્યાના આધારે 2,000 ઉમેદવારોને રૂબરૂ બોલાવાયા હતા. પરંતુ મોડા નોટિફિકેશન અને અગાઉથી યોગ્ય માર્ગદર્શન ન મળવાને કારણે કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, જામનગર અને ડાંગ જેવા દૂરના જિલ્લોમાંથી આવેલા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને ભારે તકલીફ પડી હતી.

બનાસકાંઠાથી આવેલી એક વિદ્યાર્થિનીએ જણાવ્યું કે, "અમારા ગામથી 3 કિલોમીટર ચાલ્યા પછી વાહન મળે છે. તહેવારોના કારણે બસોમાં ભારે ભીડ હતી અને વાહનો મળવામાં પણ તકલીફ પડી. અગાઉથી યોગ્ય માર્ગદર્શન આપ્યા વગર અમને તાત્કાલિક ગાંધીનગર બોલાવી લેવાયા હતા. 7 નવેમ્બરે પહોંચ્યા પછી ખબર પડી કે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને તો 6 નવેમ્બરે આવવાનું હતું."

કચ્છના નખત્રાણાથી આવેલી બીજી વિદ્યાર્થિનીએ કહ્યું કે, "7 નવેમ્બરની સવારે 8:30 વાગ્યાના કોલ લેટર માટે લિસ્ટ 6 નવેમ્બરની સવારે 11 વાગ્યે મૂકવાનું હતું. પરંતુ તેના બદલે રાત્રે 8 વાગ્યે PDF ફાઇલ મૂકાઈ. અમે તો મેરિટ જોયા વગર જ બપોરે 4 વાગ્યે બસ પકડીને નીકળી ગયા હતા." સ્થાનિક રિક્ષાચાલકોએ પણ જણાવ્યું કે રાત્રે 1:30 વાગ્યા સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર રઝળવા મજબૂર બન્યા હતા.

આ ઉપરાંત મેનેજમેન્ટ ક્વોટામાં ફી વસૂલવામાં પણ ગેરરીતિનો આક્ષેપ થયો છે. નામ ન જણાવવાની શરતે એક સરકારી શિક્ષકે આરોપ લગાવ્યો કે તેમની દીકરીના PTC મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ માટે પહેલા ₹3 લાખ ફી કહેવામાં આવી હતી. તેમણે ઘરમાંથી સોનું વેચીને ₹3 લાખ ભેગા કર્યા હતા. પરંતુ પ્રવેશ લેવા ગયા ત્યારે કોલેજ સંચાલકોએ સીધા ₹5 લાખની માંગણી કરી હોવાનો તેમનો આરોપ છે.

આ સમગ્ર ઘટનાક્રમે પ્રવેશ પ્રક્રિયાના આયોજન અને પારદર્શિતા અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. દૂરના વિસ્તારોના વિદ્યાર્થીઓને સમયસર માહિતી મળે અને ફી અંગેની જાહેરાત સ્પષ્ટ રહે તે માટે વ્યવસ્થિત ગોઠવણની જરૂર છે.