પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ગુરુવારે પાકિસ્તાન સુપર લીગ (PSL)ની 12મી સીઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ સીઝન 18 માર્ચથી શરૂ થશે અને 2 મેના રોજ ફાઇનલ સાથે પૂરી થશે. જ્યારે ભારતની ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)નું શેડ્યૂલ હજુ બીસીસીઆઈ (BCCI)એ જાહેર કર્યું નથી, પરંતુ સામાન્ય રીતે IPL પણ માર્ચથી મે વચ્ચે જ રમાય છે. તેથી બંને લીગની તારીખો ટકરાઈ શકે છે.
PCBના ચેરમેન મોહસિન નકવીએ કહ્યું કે PSLની 11મી સીઝનએ સાબિત કરી દીધું છે કે આ લીગ કેટલી સ્પર્ધાત્મક છે. તેમણે રોમાંચક મુકાબલા, રેકોર્ડ દર્શકો અને પ્રસારણના આંકડાઓનો ઉલ્લેખ કરતાં કહ્યું કે 12મી સીઝનમાં લીગનું સ્તર વધુ ઊંચું કરવામાં આવશે. બોર્ડ એક વધુ શાનદાર સીઝન યોજવા માટે પ્રતિબદ્ધ છે અને તમામ ફ્રેન્ચાઇઝીઓને ટાઇટલ માટે સ્પર્ધા કરતી જોવા માટે આતુર છે.
PSLની તારીખો અને IPLની તારીખો વચ્ચે ટકરાવની શક્યતા છે, કારણ કે IPL પણ સામાન્ય રીતે આ જ સમયગાળામાં રમાય છે. 2026માં IPL 28 માર્ચથી 31 મે સુધી ચાલી હતી. PSL 12ની 18 માર્ચથી 2 મે સુધીની વિન્ડો IPLના શરૂઆતના લીગ સ્ટેજ સાથે ટકરાઈ શકે છે.
PSLની 11મી સીઝનમાં પહેલી વાર 8 ટીમનું ફોર્મેટ લાગુ કરવામાં આવ્યું હતું. આ સીઝનમાં જ ખેલાડીઓની પસંદગી માટે ડ્રાફ્ટ સિસ્ટમને બદલે પહેલી વાર પ્લેયર ઓપ્શન યોજવામાં આવ્યું હતું. PSL 11ની ફાઇનલમાં પેશાવર ઝલ્મીએ હૈદરાબાદ કિંગ્સમેનને હરાવીને 9 વર્ષ બાદ ટાઇટલ જીત્યું હતું. ગદ્દાફી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલને 32,461 દર્શકોએ નિહાળી હતી.