સત્ય. સાહસ. સંકલ્પ.

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ પૃથુલ દેસાઈ, સુરતથી અમદાવાદ સુધીની શૈક્ષણિક સફર

ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ પૃથુલ દેસાઈ, સુરતથી અમદાવાદ સુધીની શૈક્ષણિક સફર

અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ (વાઇસ ચાન્સેલર) તરીકે ડૉ. પૃથુલ રમેશભાઈ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે. તેઓ સુરતની સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલ હતા. આ નિમણૂક ‘ધી ગુજરાત પબ્લિક યુનિવર્સિટીઝ એક્ટ, 2023’ની કલમ 10(4) હેઠળ રાજ્યપાલના નામે કરવામાં આવી છે. તેઓ ઈન્ચાર્જ કુલપતિ જગદીશ જોશીની જગ્યા લેશે.

ડૉ. પૃથુલ દેસાઈ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે 31થી વધુ વર્ષોનો શૈક્ષણિક અને 14થી વધુ વર્ષોનો પ્રિન્સિપાલ તરીકેનો અનુભવ ધરાવે છે. તેઓ ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર છે અને શૈક્ષણિક નેતૃત્વ, સંસ્થાકીય ગવર્નન્સ, અભ્યાસક્રમ વિકાસ, NAAC એક્રેડિટેશન, ગુણવત્તા સુધારણા, સંશોધન અને NEP-આધારિત શૈક્ષણિક સુધારાઓમાં નિપુણતા ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલાં જ સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની અમદાવાદના પોલીસ કમિશનર તરીકે નિમણૂક કરાઈ હતી. ત્યારે ફરી એક વખત સુરતની સર પી. ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સના પ્રિન્સિપાલને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બનાવાયા છે. આમ અમદાવાદમાં ગૃહ અને શિક્ષણ એમ મહત્વના બે વિભાગમાં સુરત બેકગ્રાઉન્ડ ધરાવતા લોકોને સ્થાન અપાયું છે.

ડૉ. પૃથુલ દેસાઈએ જણાવ્યું કે તેઓ આશરે 32 વર્ષથી લેક્ચરર તરીકે કાર્યરત છે. તેમની પહેલી નિમણૂક 12 ડિસેમ્બર 1994ના રોજ નવયુગ સાયન્સ કોલેજ, સુરતમાં ફિઝિક્સના લેક્ચરર તરીકે થઈ હતી. 2007માં ફિઝિક્સ વિષયમાં SLAT પરીક્ષા પાસ કરનાર તેઓ રાજ્યના પ્રથમ ઉમેદવાર હતા. 2012માં તેઓ સર પી.ટી. સાર્વજનિક કોલેજ ઓફ સાયન્સ, સુરતમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા. તેમના કાર્યકાળ દરમિયાન કોલેજને NAACમાં ‘B’ ગ્રેડથી ‘A’ અને ત્યારબાદ ‘A+’ ગ્રેડ (CGPA 3.35 સાથે) મળ્યો. આ કોલેજ સૌરાષ્ટ્રની પ્રથમ ઓટોનોમસ કોલેજ તરીકે UGC દ્વારા માન્યતા પ્રાપ્ત કરનારી પણ છે.

નવી જવાબદારી અંગે પૂછતાં તેમણે કહ્યું કે તેઓ પોતાની ક્ષમતા પર ભરોસો ધરાવે છે અને જે પણ જવાબદારી મળે તેને પૂર્ણ નિષ્ઠાથી નિભાવશે. તેમણે વધુમાં જણાવ્યું કે તેમનું પ્રાથમિક ધ્યાન શૈક્ષણિક ગુણવત્તા પર રહેશે. ગુજરાત યુનિવર્સિટી હાલમાં A+ ગ્રેડ ધરાવે છે, તેને ડબલ પ્લસ ગ્રેડ સુધી લઈ જવા માટેના પ્રયાસો તેમની ટોચની પ્રાથમિકતા રહેશે.

RSS સાથેના સંબંધ અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તેમના પિતા ગોવાના સ્વાતંત્ર્ય સેનાની અને SVNITમાં ફિઝિક્સના પ્રોફેસર હતા. તેમના મોટા ભાઈ પણ ફિઝિક્સના પ્રોફેસર છે અને તેઓ પોતે પણ ફિઝિક્સના પ્રોફેસર છે, એટલે તેમનું મુખ્ય શૈક્ષણિક પૃષ્ઠભૂમિ છે. નવયુગ સાયન્સ કોલેજમાં હતા ત્યારે તેમણે એક વર્ષ માટે શહેર ઉપપ્રમુખ તરીકે ABVPની જવાબદારી નિભાવી હતી (આશરે 2000ના સમયગાળામાં). 2003થી તેઓ પીએચડીના કામમાં જોડાયા અને પીએચડી પૂર્ણ થતાં જ તેમને પ્રિન્સિપાલશીપ મળી. સાથે-સાથે RSSમાં પણ તેમની સક્રિય ભૂમિકા રહી છે.

યુનિવર્સિટી વારંવાર વિવાદોમાં આવે છે તે અંગે પૂછતાં તેમણે જણાવ્યું કે તેઓ સ્થળ પર જઈને પરિસ્થિતિનું નિરીક્ષણ કરશે. જો તેમની કાર્યપદ્ધતિ એવી હશે કે જેથી સામેવાળાને અને સમગ્ર શિક્ષણ જગતને સ્પષ્ટ થાય કે કેવી રીતે કામ કરવું જોઈએ, તો વિવાદો શાંત થશે એવો તેમને વિશ્વાસ છે.