મોંઘવારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ વ્યવસ્થાની ખામી અને સરકારી નીતિઓ સામે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, અલ્બેનિયા, બ્રાઝિલ, આર્જેન્ટિના અને બેલ્જિયમમાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા છે. ઘણા દેશોમાં આંદોલનકારીઓએ વાહનો સળગાવ્યા, દુકાનોમાં લૂંટફાટ કરી અને પોલીસ સાથે અથડામણ કરી. પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે ફ્રાન્સમાં કર્ફ્યુ લાદવાની તૈયારી ચાલી રહી છે, જ્યારે ઇટાલીમાં સેના ઉતારવી પડી છે.
ફ્રાન્સમાં હિંસા અને કર્ફ્યુની ચર્ચા
ફ્રાન્સમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે. મોંઘવારી અને શિક્ષણ સુવિધાઓને લઈને શરૂ થયેલું આંદોલન હિંસક બન્યું છે અને રાજધાની પેરિસ સહિત દેશના મોટા ભાગના શહેરોમાં ફેલાયું છે. રસ્તા પર વાહનો સળગાવાઈ રહ્યા છે, દુકાનો લૂંટાઈ રહી છે અને પોલીસ સાથે પ્રદર્શનકારીઓની અથડામણ થઈ રહી છે.
આ સ્થિતિ પર ચર્ચા માટેની બેઠક બાદ સરકારે સ્થાનિક વહીવટીતંત્રને જરૂર પડે ત્યાં કર્ફ્યુ લાદવાનો અધિકાર આપ્યો છે. રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોંએ ઉપદ્રવ કરનારાઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી છે. ફ્રાન્સમાં અમેરિકન દૂતાવાસે પોતાના નાગરિકો માટે સૂચના બહાર પાડી છે અને હિંસાગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવા જણાવ્યું છે.
ઇટાલીમાં 500 સૈનિકો તૈનાત
ઇટાલીના મિલાન સહિત મોટા શહેરોમાં પણ વિરોધ હિંસક બન્યો છે. મિલાનમાં દુકાનોમાં તોડફોડ, લૂંટફાટ અને પોલીસ સાથે હિંસા બાદ કાયદો-વ્યવસ્થા જાળવવા સરકારે 500 સૈનિકોને શહેરમાં તૈનાત કર્યા છે.
સ્પેનમાં શિક્ષકોથી શરૂ થયેલો વિરોધ
સ્પેનમાં પ્રાથમિક અને માધ્યમિક શાળાના શિક્ષકોએ શરૂ કરેલું આંદોલન હવે સામાન્ય લોકોના રોષમાં ફેરવાયું છે. વધતી મોંઘવારી ઉપરાંત બાર્સિલોનામાં ઘરોની ઊંચી કિંમતો અને લઘુતમ વેતનને લઈને લોકો રસ્તા પર ઉતરીને સરકાર સામે વિરોધ કરી રહ્યા છે.
અલ્બેનિયામાં વડાપ્રધાનના રાજીનામાની માંગ
અલ્બેનિયામાં વિપક્ષ વડાપ્રધાનના રાજીનામાની માંગ સાથે રસ્તા પર ઉતર્યો છે. યુનિવર્સિટી અને કોલેજના વિદ્યાર્થીઓ પણ આંદોલનમાં જોડાયા છે. તેમની મુખ્ય માંગણીઓમાં ભ્રષ્ટાચાર સામે કડક પગલાં, સારી આરોગ્ય સેવા, સુધારેલી શિક્ષણ વ્યવસ્થા અને પબ્લિક પેન્શનની પુનઃરચના સામેલ છે.
બ્રાઝિલમાં ટેક કંપનીઓ સામે વિરોધ
બ્રાઝિલમાં મેટા સહિતની મોટી ટેકનોલોજી કંપનીઓ સામે ભારે વિરોધ થઈ રહ્યો છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે આ વિદેશી ટેક પ્લેટફોર્મ્સ દેશની ચૂંટણી પ્રક્રિયાને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ વિવાદ વચ્ચે બોલ્સોનારો અને લુલા દા સિલ્વાના સમર્થકો રસ્તા પર સામસામે આવી જતાં તણાવ વધ્યો છે.
આર્જેન્ટિના અને બેલ્જિયમમાં પણ વિરોધ
આર્જેન્ટિનામાં સરકારી બજેટ અને સરકારી યોજનાઓમાં કરાયેલા ઘટાડા સામે લોકોમાં ઉગ્ર અસંતોષ છે. બેલ્જિયમમાં સતત વધતી મોંઘવારી અને જીવનનિર્વાહના ઊંચા ખર્ચ સામે નાગરિકોએ મોટી રેલીઓ કાઢીને સરકારની આર્થિક નીતિઓનો વિરોધ કર્યો છે.
ઇમિગ્રેશન નીતિઓ પર સવાલ
આ હિંસા અંગે આંતરરાષ્ટ્રીય નેતાઓની પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. યુરોપિયન દેશો, ખાસ કરીને ફ્રાન્સની ઇમિગ્રેશન નીતિ સામે ટીકા થઈ રહી છે. ચેતવણી આપવામાં આવી છે કે જો આવી નીતિઓ અને હિંસક સ્થિતિ પર સમય રહેતાં કાબૂ ન મેળવાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.