આજકાલ ઘણા લોકો દિવસના લાંબા કલાકો સુધી ખુરશી પર બેસીને કામ કરે છે. ખાસ કરીને ડેસ્ક જોબ કરતા લોકોમાં આ આદત સામાન્ય બની ગઈ છે. મોટાભાગના લોકો લાંબા સમય સુધી બેસી રહેવાને ગંભીરતાથી લેતા નથી, પણ નિષ્ણાતો કહે છે કે સતત શારીરિક નિષ્ક્રિયતા શરીરના મેટાબોલિક અને હૃદયના સ્વાસ્થ્ય પર અસર કરે છે અને આગળ જતાં કિડનીના રોગનું જોખમ પણ વધારે છે.
જોકે, માત્ર લાંબા સમય સુધી બેસી રહેવાથી સીધી કિડની ફેલ થઈ જાય એવું નથી. પણ સતત બેઠાડુ જીવનશૈલી શરીરમાં એવી કેટલીક પરિસ્થિતિઓ ઊભી કરે છે, જે સમય જતાં કિડની માટે જોખમી બને છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ વજન વધવા, બ્લડ શુગરનું નિયંત્રણ બગડવા અને હાઈ બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓનું જોખમ વધારે છે.
ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરને ક્રોનિક કિડની ડિસીઝ એટલે કે લાંબા સમય સુધી ચાલતી કિડનીની બીમારીના મુખ્ય જોખમી પરિબળો માનવામાં આવે છે. જો બ્લડ શુગર અને બ્લડ પ્રેશર લાંબા સમય સુધી નિયંત્રણમાં ન રહે, તો કિડનીની નાની રક્તવાહિનીઓ અને લોહીને ફિલ્ટર કરતી રચનાઓ પર અસર પડે છે. પરિણામે ધીમે ધીમે કિડનીની કાર્યક્ષમતા ઘટી શકે છે.
ડૉ. અનુપમ રોય, એડિશનલ ડિરેક્ટર, નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ, આકાશ હેલ્થકેર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ, જણાવે છે કે લાંબા સમય સુધી બેસી રહેવાથી શારીરિક હિલચાલમાં નોંધપાત્ર ઘટાડો થાય છે. જ્યારે સ્નાયુઓ લાંબા સમય સુધી સક્રિય રહેતા નથી, ત્યારે સમગ્ર શારીરિક પ્રવૃત્તિનું સ્તર ઘટી જાય છે.
જો બેઠાડુ જીવનશૈલી સાથે અયોગ્ય ખોરાક, કસરતનો અભાવ અને પૂરતી ઊંઘ ન લેવાની આદત જોડાય, તો શરીરના મેટાબોલિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થાય છે. એવી સ્થિતિમાં વજન વધવા, બ્લડ પ્રેશર અને બ્લડ શુગર વધવાનું જોખમ વધે છે, જે આગળ જતાં કિડની પર વધારાનું દબાણ લાવે છે.
લાંબા સમય સુધી બેસીને કામ કરવું પડે તો વચ્ચે-વચ્ચે થોડો સમય ઊભા થવું અને ચાલવું ફાયદાકારક બની શકે છે. ડેસ્ક પર સતત બેસી રહેવાને બદલે થોડા સમયે ટૂંકો વૉકિંગ બ્રેક લેવો, ફોન પર વાત કરતી વખતે શક્ય હોય તો ચાલવું અને રોજિંદા જીવનમાં સીડીઓનો ઉપયોગ કરવો જેવી નાની આદતો શારીરિક પ્રવૃત્તિ વધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત, નિયમિત ઝડપી અથવા મધ્યમ ગતિએ ચાલવું અને પોતાની ક્ષમતા પ્રમાણે કસરત કરવી હૃદય, મેટાબોલિક સ્વાસ્થ્ય અને સમગ્ર શરીર માટે સારી છે. જીવનશૈલીમાં કરેલા આવા નાના ફેરફારો લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થાય છે.
કિડનીની બીમારી અંગેની સૌથી મહત્વની બાબત એ છે કે શરૂઆતના તબક્કામાં ઘણી વખત તેના સ્પષ્ટ લક્ષણો દેખાતા નથી. વ્યક્તિને કોઈ ખાસ તકલીફ ન હોવા છતાં કિડનીની કાર્યક્ષમતા ધીમે ધીમે ઘટી શકે છે. તેથી માત્ર લક્ષણો દેખાય ત્યારે જ તપાસ કરાવવાને બદલે જોખમી પરિબળો ધરાવતા લોકોએ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
જે લોકોનું વજન વધારે હોય, ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર હોય, પરિવારમાં કિડનીની બીમારીનો ઇતિહાસ હોય અથવા અન્ય જોખમી પરિબળો હોય, તેમણે કિડનીની તપાસ ક્યારે અને કેટલી વાર કરાવવી તે અંગે પોતાના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
કિડનીનું સ્વાસ્થ્ય શરીરના અન્ય અંગોના સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે. હૃદય, રક્તવાહિનીઓ અને મેટાબોલિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક જીવનશૈલી સામાન્ય રીતે કિડની માટે પણ સારી સાબિત થાય છે. તેથી જો તમારું કામ લાંબા સમય સુધી બેસીને કરવાનું હોય, તો વચ્ચે-વચ્ચે ઊભા થવું, થોડું ચાલવું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિ માટે સમય કાઢવો એ સરળ પણ ઉપયોગી ટેવ બની શકે છે.