સત્ય. સાહસ. સંકલ્પ.

વડોદરામાં ઈતિહાસ: પ્રિયાંશુ મોલિયાની 321 રનની ઇનિંગ્સે 80 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો

વડોદરામાં ઈતિહાસ: પ્રિયાંશુ મોલિયાની 321 રનની ઇનિંગ્સે 80 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો

વડોદરામાં રમાઈ રહેલી રણજી ટ્રોફીની મેચમાં બરોડાના યુવા બેટર પ્રિયાંશુ મોલિયાએ જમ્મુ-કાશ્મીર સામે અણનમ 321 રન ફટકાર્યા છે. આ સાથે તેમણે બરોડા તરફથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી મોટી વ્યક્તિગત ઇનિંગ્સનો 80 વર્ષ જૂનો વિક્રમ તોડ્યો છે.

આ પહેલાં આ વિક્રમ ગુલ મોહમ્મદના નામે હતો, જેમણે 1946-47ની રણજી ટ્રોફીની ફાઇનલમાં હોલકર સામે 319 રન બનાવ્યા હતા. બરોડા તરફથી બીજો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર દીપક હુડ્ડાનો છે, જેમણે 2016-17માં પંજાબ સામે અણનમ 293 રન બનાવ્યા હતા.

વડોદરાના રિલાયન્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી આ મેચમાં પ્રિયાંશુએ 492 બોલનો સામનો કરીને 36 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી આ ઇનિંગ્સ રમી હતી. બરોડાએ પ્રથમ ઇનિંગ્સમાં 616 રન બનાવ્યા હતા, જેમાં મહેશ પિઠિયાએ પણ 214 બોલમાં 102 રનનું યોગદાન આપ્યું હતું.

પ્રથમ દિવસના અંતે પ્રિયાંશુ 113 રને અણનમ હતા અને ટીમની છ વિકેટ પડી ગઈ હતી. આ ઇનિંગ્સ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ટીમ માટે મોટો સ્કોર કરવાનો પ્લાન હતો અને બીજા દિવસે પણ એ જ માનસિકતા સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા. ડ્રેસિંગ રૂમમાંથી અને સાથી ખેલાડીઓ તરફથી મળેલા પ્રોત્સાહનને તેમણે આ ઇનિંગ્સનું કારણ ગણાવ્યું હતું.

બરોડા ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ પ્રણવ અમીને પ્રિયાંશુ સાથે ફોન પર વાત કરીને તેમને અભિનંદન પાઠવ્યા હતા અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપી હતી.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં BCCIએ પ્રિયાંશુને કર્નલ સી. કે. નાયડુ ટ્રોફી જીતનારી તમિલનાડુ ટીમ સામેની મેચ માટે રેસ્ટ ઓફ ઇન્ડિયા અંડર-23 ટીમનો કેપ્ટન બનાવ્યો હતો. આ મેચ 1થી 4 ઓક્ટોબર દરમિયાન ચેન્નાઈના એમ. એ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી.

પ્રિયાંશુએ નાની ઉંમરથી જ લાંબી ઇનિંગ્સ રમવાની ક્ષમતા દર્શાવી છે. 2018માં વડોદરામાં રમાયેલી ડી. કે. ગાયકવાડ અંડર-14 ટુર્નામેન્ટમાં તેમણે 319 બોલમાં અણનમ 556 રન બનાવ્યા હતા, જેમાં 98 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ હતો.